ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તાલીમ સેન્ટર ખાતે જિલ્લાની માધ્યમિક શાળાના ૬૨ શિક્ષકોને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ તમાકુના સેવનથી થતા રોગો અંગે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ સેન્ટરના સિનિયર મેડિકલ ઓફિસર ડો. એસ.એસ.હક્ક અને રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.મનોજભાઈ પટેલે તાલીમ દરમિયાન શિક્ષકોને જણાવ્યું કે, તમાકુ સેવનથી કેન્સર, લકવો, હ્રદય રોગ, ટીબી, નપુસંકતા જેવા રોગો થઈ શકે છે. ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩(COTPA) ના ભંગ બદલ થતા દંડ અને સજા વિશે માહિતગાર કર્યા હતા. જેમાં જાહેર સ્થળો ઉપર ધુમ્રપાન કરવાના પ્રતિબંધ અંગે તેમજ ૧૮ વર્ષથી નીચેની વ્યકિતઓ તમાકુ અને તેની બનાવટનું વેચાણ કરી શકે નહી તે અંગે માહિતી આપી હતી. શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુથી થતા રોગો અંગે જનજાગૃતિ ફેલાવતા બેનર લગાવવા જરૂરી છે. વધુમાં ડો. હક્કે જણાવ્યું કે, ભારતમાં દર એક મીનિટે બે વ્યકિત તમાકુના સેવનથી મોતને ભેટે છે. તમાકુ વ્યસનની છૂટવા માંગતી વ્યકિતઓ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦ ૧૧૨૩ ૫૬ પરથી મદદ મેળવી શકશે.