ગુજરાત એલર્ટ । વલસાડ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિનું સંવર્ધન થાય તેવા શુભ આશય સાથે વિદ્યાર્થીઓ સ્થાનિક કલા તજજ્ઞો મારફત વ્યવસાયિક શિક્ષણ મેળવે તે હેતુથી વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય મહેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ કલાનાં અધ્યાપક બીપીનભાઈ પટેલ દ્વારા D.EL.ED. (Diploma in Elementary Education) પ્રથમ અને બીજા વર્ષની ૯૯ તાલીમાર્થી બહેનો માટે વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ- વ્યારા, જિ. તાપીનાં સહયોગથી વારલી ચિત્રકળાનાં વર્કશોપ યોજાયો હતો.
વર્કશોપનો મુખ્ય હેતુ વારલી ચિત્રકળાના વિચાર વિસ્તાર તથા યુવાઓમાં રહેલી કલા શક્તિને ખીલવી પ્રોત્સાહન પુરુ પાડવુ તથા ભવિષ્યમાં તેઓ વારલી ચિત્રકળા ક્ષેત્રે વ્યવસાયિક સજ્જતા કેળવી આર્થિક રીતે પગભેર થાય તથા ભવિષ્યમાં કલાકાર તરીકે નામના મેળવે તેવો ઉમદા હેતુ છે.
વારલી ચિત્રકળાનાં વર્કશોપ દ્વારા D.EL.ED.ની વિદ્યાર્થીનીઓમાં રહેલી કલાને પ્રોત્સાહન આપવા તથા ભવિષ્યમાં આર્થિક રીતે પગભેર થાય તેવા યથાર્થ પ્રયત્નો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા થઈ રહ્યા છે. તજજ્ઞ તરીકે અનિલભાઈ ચૌધરી, ઉ.શિક્ષક તડકેશ્વર કન્યાશાળા જિ.સુરત, વિપુલભાઈ પટેલ, મ.શિ. ફલધરા હાઈસ્કુલ અને યોગેશભાઈ ચૌધરી, લેકચરર, ડાયટ, વઘઈએ વારલી ચિત્રકળાનો ઉદભવ, તેની લાક્ષણિકતા અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
ઉપરોકત તજજ્ઞો દ્વારા માનવી, પશુ, પક્ષી, ઘર અને વૃક્ષનાં આકારોનું રેખાંકન, ગ્રામ્ય જનજીવનનાં પ્રસંગો, ક્રિયાઓ, ઉત્સવ, વાર તહેવાર, રીતરિવાજ – પરંપરા, દેવપૂજા, ખેતીકામ વગેરે દ્રશ્યોને આવરી લેતાં ચિત્રોનું સર્જન કરાવી અને તેમાં આકર્ષક રંગો દ્વારા વારલી ચિત્ર બનાવવાનું શીખવવામાં આવ્યુ હતું.
વારલી ચિત્રકળાના પિતામહ સ્વ. પદ્મશ્રી જીવ્યા સોમા માહસેની છબી સમક્ષ દીપ પ્રાગટય કરી વર્કશોપનો પ્રારંભ કરાયો હતો. આ વર્કશોપમાં તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનાં અંતમાં વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર થયેલા વારલી પેઈન્ટીગનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. ડાયટના આધ્યાપકોએ પણ આ વર્કશોપનો લાભ લીધો હતો. વારલી ચિત્રકળા વર્કશોપ સફળતાપૂર્વક પાર પાડવા બદલ વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટનાં તજજ્ઞોનો વલસાડ ડાયટના પ્રિન્સીપાલ મહેન્દ્રભાઈ પટેલે આભાર માની અભિનંદન પાઠવ્યા હતા.