ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની અંતર્ગત વિવિધ ખાતાના અધિકારીઓ સાથેની ભાગ-૨ ની બેઠક જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને તા. ૧૬ માર્ચના રોજ કચેરીના સભાખંડમાં મળી હતી.
ભારત નેટ વિભાગની ઓએફસી લાઈનને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું જે અંગેની રજૂઆત બાબતે કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સુચના આપી હતી કે, કોઈપણ વિભાગે ખોદકામ કરતા સમયે બીજા વિભાગની લાઈનોને કોઈપણ નુકશાન ન પહોંચાડવું. આ અંગે જિલ્લા કક્ષાએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ(SOP)ની રચના કરવી જેમાં ખોદકામ વખતે વિભાગોએ કેવી રીતે કામગીરી કરવી તેના નિયમો બનાવવા. દરેક વિભાગોએ આ SOPના નિયમોનું ફરજીયાતપણે પાલન કરવું. કોઈપણ વિભાગની લાઈનોને ખસેડવા માટે જે તે વિભાગની ફરજીયાત મંજૂરી લેવાની રહેશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ અલગ SOPની રચના કરવા માટે સૂચન કર્યું હતું.
બેઠકમાં નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટરશ્રીએ તાકીદ કરી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.