વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની ભાગ ૨ ની બેઠક: જિલ્લાની દરેક કચેરીઓમાં મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ હેઠળ સમિતિ બનાવવા અને બોર્ડ મુકવા જણાવાયું.

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની અંતર્ગત વિવિધ ખાતાના અધિકારીઓ સાથેની ભાગ-૨ ની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તા. ૨૦ જાન્યુ.ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.
આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈએ સંકલન સમિતિના તમામ અધિકારીઓને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ કાયદાના અમલીકરણ બાબતે પ્રેઝન્ટેશન આપી જણાવ્યું કે, આ કાયદા અંતર્ગત જિલ્લામાં તમામ સરકારી કચેરી, ખાનગી કંપની કે જ્યાં ૧૦ થી વધુ કર્મચારીઓ/કામદારો કાર્ય કરતા હોય ત્યાં આ અધિનિયમની કલમ ૪(૧) મુજબ આંતરીક સમિતિની રચના કરવી ફરજીયાત છે. જ્યાં ૧૦ કે ૧૦ થી ઓછા કર્મચારીઓ/કામદારો હોય ત્યાં જિલ્લા દ્વારા અધિનિયમની કલમ ૬(૧) મુજબ સ્થાનિક સમિતિની રચના કરવામાં આવી છે.
જિલ્લા ખાતે સ્થાનિક સમિતિ ફરિયાદો (અટ્કાયત,પ્રતિબંધ અને નિવારણ) હેતુ અલાયદુ ઇ- મેઈલ આઈ.ડી. (Email : lcposhvalsad@gmail.com ) બનાવ્યું છે. જે સંસ્થાઓમાં ૧0 કે ૧૦ થી ઓછા કામદારો હોય ત્યાં આંતરીક સમિતિની રચના કરવામાં આવી ન હોય અથવા નિયોક્તાની ખુદની સામે ફરીયાદ હોય અથવા અસંગઠીત ક્ષેત્રના કામદાર/કર્મચારી હોય તો આ ઈ – મેઈલ આઈ.ડી. પર મહિલા સીધી ફરિયાદ કરી શકે છે.
કાયદાના સુચારૂ અમલીકરણ હેતુ આવશ્યક માહિતીનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા વધુમાં જણાવી કહ્યું કે, જિલ્લા સ્તરે તમામ સરકારી/ખાનગી/શૈક્ષણિક તેમજ ઔધોગિક સંસ્થાઓમાં આંતરિક સમિતીની રચના સુનિશ્ચિત કરવી તેમજ સમિતિની બેઠકનું આયોજન કરવુ, જાતીય સતામાણીની ફરીયાદોની સુનાવણી અને નિકાલની કાર્યવાહી કરવી, કાર્ય સ્થળના દરેક કર્મચારીઓનું સેન્સીટાઇઝેશન, જિલ્લા કચેરીઓમાં રચાયેલી આંતરિક સમિતિ અને કાયદાની જોગવાઈઓની માહિતી દર્શાવતા બોર્ડ દરેક કાર્ય સ્થળ પર વંચાય તે રીતે લગાવવા અને દરેક કચેરીઓમાં નોંધાયેલા કેસોનું જિલ્લા સ્તરે ડેટા મેનેજમેન્ટ અને મોનીટરીંગ માળખાની રચના અને અમલીકરણ કરવા જણાવ્યું હતું. વધુમાં તેઓશ્રીએ આ કાયદા હેઠળ ફરીયાદ નોંધણીની પ્રક્રિયા અને કાયદાના ઉલ્લંઘન બદલ થતી શિક્ષા અંગે જણાવ્યું કે, નિયોક્તા દ્વારા કાયદાનું અમલીકરણ ન કરવામાં આવે અથવા ઉલ્લંધન કરવામાં આવે તો રૂ।. ૫૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે. તેમજ શિક્ષાપાત્ર ઠરેલ કામદાર કે કર્મચારી પુનઃ આ ગુના માટે દોષી ઠરે તો તેને બમણી સજા થશે અથવા ફરજ મુક્ત થશે. નિયોક્તા દ્વારા પુન; ઉલ્લંઘન થાય તો તેનું લાયસન્સ રદ કરવું, પાછું ખેચી લેવું અથવા રીન્યુ ન કરવું. આ કાયદાની કાર્યવાહીની માહિતી જાહેર કરવા બદલ રૂ. ૫૦૦૦ નો દંડ થઈ શકે છે. અંતે તેમણે નિયત નમૂનામાં આંતરીક સમિતિની રચના તેમજ આવેલ કેસો અંગેની માહિતી પુરી પાડવા જણાવ્યું હતું. કાયદાના ઉલ્લંઘન બદલ થતી શિક્ષા અંગે જાગૃત કરવા પ્રોગામ કરવાના રહેશે એમ જણાવ્યું હતું.
આઈસીડીએસના જિલ્લા પ્રોગામ અધિકારી નિલમ પટલે મહિલા અને બાળ વિકાસ હસ્તકના મકાનોના GIS (Geographic Information System) મેપિંગ કરવા તેમજ આઈસીડીએસ યોજના હસ્તકના આંગણવાડી કેન્દ્રો, સેજા કચેરી અને ઘટક કચેરીના જર્જરિત મકાનોના તાત્કાલિક સર્વે પૂર્ણ કરવા જણાવ્યું હતું. જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો.જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તા. ૩૦ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનથી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે. પ્રથમ દિવસે તા. ૩૦મીના રોજ દરેક ગામમાં સરપંચના અધ્યક્ષસ્થાને ગ્રામસભાની બેઠક મળશે અને ત્યારબાદ અવેરનેસ માટે વિવિધ પ્રવૃતિ કરાશે. વધુમાં ડો. ચૌધરીએ જણાવ્યું કે, તા. ૧ થી ૧૯ જાન્યુ. દરમિયાન ઘરે ઘરે જઈ સર્વે કરતા રક્તપિતના નવા ૧૨૨ કેસ મળ્યા છે. જેમાં ૫૮ ચેપી અને ૭૪ બિનચેપી દર્દી છે. ૧૨૨ પૈકી ૧૦ બાળ દર્દી પણ મળી આવ્યા છે.
બેઠકમાં નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટરશ્રીએ તાકીદ કરી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!