ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક તા. ૨૦ જાન્યુઆરીના રોજ શનિવારે સવારે ૧૧ કલાકે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં કુલ ૭ અને પેટા પ્રશ્ન ૮ ની હકારાત્મક ચર્ચા થઈ હતી. જનહિતને લગતા આ પ્રશ્નોને ઉકેલવા માટે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન અને સૂચન આપ્યું હતું.
ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે ચણોદ ગ્રામ પંચાયતમાં સરકારી સર્વે નં. ૧૦૫૩ અને ૧૦૫૨માં કુલ ૧૧૨ કેબિન પંચાયતે ૪૫ વર્ષ પહેલા આપી હતી જેમાં અરજદારો પંચાયતે નક્કી કરેલા ઠરાવ પ્રમાણે ભાડા ભરે છે. આ જમીન પર દબાણ દૂર કરાવવા માટે વાપી મામલતદારે નોટિસ આપી છે. જે સંદર્ભે વાપી ગ્રામ્ય મામલતદારે જણાવ્યું કે, આ જમીન શ્રી નામદાર સરકાર હેડે ચાલી આવી છે. જેમાં ૧૧૨ ઈસમો દ્વારા અનઅધિકૃત રીતે વાણિજ્ય હેતુ માટે દબાણ કરતા નિયમોનુસાર કાર્યવાહી કરી છે. આ દબાણ નિયમિત કરવા અને પંચાયત આવકના સ્ત્રોત માટે રસ ધરાવતી હોય તો સરકારશ્રીમાં ભરપાઈ કરવાની થતી રકમ ભરી લેખિત સંમતિ સાથે નિયમોનુસાર માંગણી કરે તો ધોરણસરની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલવાની કાર્યવાહી કરાશે.
વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે પારનેરા પારડી ગામે સોલારીસ સોસાયટી દ્વારા ગંદુ પાણી રસ્તા પર છોડવામાં આવતુ હોવાથી ગામના ખેડૂતોના પાણીના બોરમાં ગંદુ દુર્ગંધ મારતુ પાણી જતા લોકોને પીવાના પાણીમાં પણ દુર્ગંધ આવી રહી હોવાની રજૂઆત મુદ્દે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, આ મામલે સ્થળ વિઝિટ કરી ગંદુ પાણી બંધ કરવા સોલારિસ સોસાયટીના મેનેજમેન્ટને નોટિસ આપતા ગંદુ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. ધારાસભ્યશ્રીએ વલસાડના તિથલ રોડની ડ્રેનેજ લાઈન વારંવાર જામ થતી હોવાની રજૂઆત કરતા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ વિસ્તારની ડ્રેનેજ લાઈનની સફાઈ કરી પ્રશ્નનું નિરાકરણ કરાયું હોવાનું જણાવ્યું હતું. વલસાડની કોન્વેટ હાઈસ્કૂલનું મેદાન મોટુ હોવા છતાં વિદ્યાર્થીઓને કેમ્પસમાં વાહન પાર્ક કરવા દેતા ન હોવાથી વિદ્યાર્થીઓ રોડ પર વાહનો પાર્ક કરતા રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે જે હલ કરવા ધારાસભ્યશ્રીએ જણાવતા જિલ્લા પોલીસ અધિક્ષકે કહ્યું કે, કોન્વેટ સ્કૂલ આવાબાઈ સ્કૂલ પાસે આડેધડ વાહન પાર્ક કરતા ૨૪ વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા છે. સ્કૂલના વાહનો પોતાના કેમ્પસમાં જ પાર્ક થાય તે માટે સ્કૂલના આચાર્યો તેમજ સંચાલકો સાથે મીટિંગનું આયોજન કરાયું છે. આ પ્રશ્ન અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, કોન્વેટ સ્કૂલને સૂચના આપી છે અને શાળાએ ટ્રાફિક સમસ્યા અંગે વાલીઓની મીટિંગ રાખી છે. આ મુદ્દે કલેકટરશ્રીએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે, જિલ્લાની બધી જ સ્કૂલો કે જ્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે તે સ્કૂલો ૧૮ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓના વાહન પોતાના કેમ્પસમાં પાર્કિંગ થાય તે માટે સૂચના આપવી. ધારાસભ્ય ભરતભાઈએ વલસાડ ને.હા.નં. ૪૮ પર રાત્રિના સમયે ઓવરલોડ રેતી ભરેલી ગાડી પૂરપાટ ઝડપે નવસારીથી મુંબઈ જતી હોવાથી આ ગાડીઓનું ચેકિંગ અને અકસ્માતની ઘટના બને તે માટે ચેકિંગ કરવા જણાવતા પોલીસ અધિક્ષકશ્રીએ પોલીસ અને ખાણ ખનિજ વિભાગ સાથે મળીને રાત્રિ દરમિયાન સંયુક્ત રેડ કરશે એવું જણાવ્યું હતું. ડુંગરી સીએચસી સેન્ટર પર ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા રાત્રિ દરમિયાન ૩ માસથી બંધ હોવાથી આ વિસ્તારના ૨૦ ગામના લોકો માટે રાત્રિ દરમિયાન ફરી ચાલુ કરવા ધારાસભ્ય ભરતભાઈએ રજૂઆત કરતા કલેકટરશ્રીએ ૧૦૮ના એ.જી.એમ. ઈએમઆરઆઈને રાત્રિ દરમિયાન ફરીથી ૧૦૮ની સેવા ચાલુ કરવા સૂચના આપી હતી.
વલસાડ ધારાસભ્યશ્રીએ વલસાડ તાલુકાના નાની સરોણ (સરોધી) ને.હા.નં. ૪૮ ઉપર ઓવરબ્રિજનું કામ આજદિન શરૂ થયુ નથી તેમ જણાવતા એન.એચ.એ.આઈ. ભરૂચના પ્રોજેક્ટ ડાયરેક્ટરના પ્રતિનિધિએ જણાવ્યું કે, કોન્ટ્રાકટરને એવોર્ડ અપાઈ ગયો છે હવે કામ શરૂ થઈ જશે. અન્ય એક પ્રશ્ન રજૂ કરતા ધારાસભ્યશ્રીએ કહ્યું કે, નંદાવલા સરોધી નાની સરોણ ને.હા.નં. ૪૮ પર સર્વિસ રોડ રીપેર કરવા અને સર્વિસ રોડના અધુરા કામના કારણે અકસ્માતનો ભય પણ રહેલો છે જે અંગે એન.એચ.એ.આઈ. ભરૂચના પ્રોજેક્ટ ડાયરેક્ટરના પ્રતિનિધિએ જણાવ્યું કે, મેઈન્ટેનન્સ માટેનો નવો કોન્ટ્રાક્ટ થઈ ચૂક્યો છે. જેથી એક માસમાં પેન્ડિંગ કામગીરી પૂર્ણ કરાશે.
ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનો પ્રશ્ન હતો કે, બામટી ગામમાં કલ્ચર કમ કોમ્યુનિટી હોલનું બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થશે જેના જવાબમાં માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, ઈજારદારને નોટિસ આપી છે, તા. ૧૫ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં કામ પૂર્ણ કરાશે. આ સિવાય અરવિંદભાઈએ વાંકલ સીએનજી પંપથી ધરમપુર સુધીનો રસ્તો વ્યવસ્થિત રીપેર કરવા જણાવતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, રોડ પર પોત હોલ્સ પેચવર્ક કરાયું છે. પેવર પટ્ટા માટેનું ટેન્ડર વર્તુળ કચેરીથી મંજૂર થયેલુ હોવાથી તા. ૨૬ જાન્યુ. ૨૦૨૪ સુધીમાં કામ પૂર્ણ કરાશે.
આ સિવાય ઉમરગામના મરોલીમાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ખોદકામના પૈસા ચૂકવાયા ન હોવાની ધારાસભ્યશ્રીની રજૂઆત સંદર્ભે સંબંધિત ખાતાના અધિકારીએ ગ્રાંટ આવી ગઈ છે, એક અઠવાડીયામાં ચૂકવવાની ખાતરી આપી હતી. ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ કપરાડાના ઓઝર ગામમાં જમીન માપણીમાં ભૂલ હોવાનું જણાવતા કલેકટરશ્રીએ રી સર્વે કરવા જણાવ્યું હતું. સાંસદ ડો. કે.સી.પટેલે છીપવાડ વિસ્તારમાં ચોસામાની રેલના પાણી આવતા હોવાથી ઓરંગા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આગળ ધપાવવા રજૂઆત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક નિશા રાજ અને દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.