વલસાડ: વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ આજરોજ ઉમરગામ ખાતે સાંજે ૪-૦૦ વાગ્યા સુધીમાં ૨૬૪ મી.મી. નોંધાયેલા વરસાદને કારણે ઉમરગામ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સ્થાનિક પ્રશાસન સાથે સમીક્ષા કરી હતી. અને જે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં તેવા સંજાણ, ફણસા, કરમબેલે, દહેરી, ગોવાડા, માંડા અને ખતલવાડા વગેરે ગામોના અસરગ્રસ્ત સ્થાનિક ૩૬૬ લોકોને કામચલાઉ સ્થળાંતર કરાવ્યું હતું. તેમજ તાલુકાના કેટલાક માર્ગો ઉપર પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા હતા. તે માર્ગોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ ચોમાસાની સીઝનમાં જો કોઇ મદદની જરૂર જણાય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ફોન નંબર ૦૨૬૩૨-૨૪૩૨૩૮ ઉપર તુર્ત જ જાણ કરવા જિલ્લાના તમામ નાગરિકોએ અપીલ કરી છે.