વલસાડના ડોક્ટરોએ દર્દીઓની સેવા સારવારમાં માત્ર આર્થિક દ્રષ્ટીકોણને જ ધ્યાનમાં ન રાખતાં માનવીય દ્રષ્ટીકોણ અપનાવવાં હૃદયપૂર્વક અનુરોધ, જો ડોકટર વિરૂધ્ધ યોગ્ય ફરિયાદ મળશે તો તે રજુઆતને ગંભીરતાથી લેવાશે: કલેકટર આર.આર.રાવલ
વલસાડ
વલસાડ કલેક્ટર આર.આર.રાવલે પ્રર્વતમાન કોરોનાના સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખી વલસાડ જિલ્લાની તમામ હોસ્પિટલો / મેડીકલ પ્રેકટીશનર્સને કોવિડ-૧૯ની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિશેષ સૂચના આપી છે. આ બાબતે કલેક્ટરશ્રીએ ઇન્ડિયન મેડીકલ એસોસીએશનને હોસ્પિટલો / મેડીકલ પ્રેકટીશનર્સ સાથે સંકલન સાધી આ કામગીરીમાં સહયોગ આપવા જણાવ્યું છે.
વલસાડ કલેક્ટરશ્રી રાવલે જણાવ્યું છે કે, જ્યાં કોવિડ – હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી છે. ત્યાં કોવિડ અને નોન કોવિડ વિભાગ સંપૂર્ણ અલગ રાખવાનો રહેશે. તેમજ સરકારશ્રી દ્વારા વખતો-વખત બહાર પાડવામાં આવેલા કોવિડ ગાઈડલાઈન તેમજ પ્રોટોકોલનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે. જ્યાં માત્ર કોવિડ હોસ્પિટલ છે અથવા તો માત્ર નોન કોવિડ હોસ્પિટલ છે ત્યાં પણ કોરોનાની ગાઈડલાઈન અને પ્રોટોકોલનો ફરજીયાતપણે અમલ કરવાનો રહેશે.
હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીના ખબર અંતર લેવા માટે દિવસ દરમિયાન એક થી વધુ વ્યક્તિઓ અને કુટુંબીજનો હોસ્પિટલોમાં એકત્રિત થઈ ટોળે વળી હોસ્પિટલમાં જ ભીડનો ભાગ બનતા હોય છે. આ બાબતને ગંભીરતાથી લઇ વલસાડ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીની સેવા સારવાર માટે પ્રોટોકોલ પ્રમાણે માત્ર એક જ વ્યક્તિ હાજર રહી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
તમામ ડોક્ટરોએ પણ દર્દીઓની સેવા સારવારમાં માત્ર આર્થિક દ્રષ્ટીકોણને જ ધ્યાનમાં ન રાખતાં માનવીય દ્રષ્ટીકોણ અપનાવવા હૃદયપૂર્વક અનુરોધ કરાયો છે. આમ છતાં જો કોઈ પણ હોસ્પિટલમાંથી કોઈપણ ડોકટર કે તેની હોસ્પિટલ વિરૂધ્ધ યોગ્ય ફરિયાદ અને રજૂઆત મળશે તો તે રજુઆતને ગંભીરતાથી લઈને એપેડેમીક ડીસીસ એક્ટ – ૧૮૯૭ અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.