ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ નગરપાલિકાના માજી નગરસેવકે વલસાડ શહેરને અડીને આવેલા જુદા જુદા 15 ગામોની 4 અલગ નગરપાલિકા બનાવવાં અથવા વલસાડમાં ભેળવી દેવાથી વલસાડ મહાનગરપાલિકા બની શકે તેવી આંકડાકીય વિગતો સાથે રાજ્ય સરકારને રજૂઆત કરતા ભવિષ્યમાં વલસાડ મહાનગરપાલિકા બની શકે તેવી આશા બંધાઈ છે.
વલસાડ નગરપાલિકાનાં માજી નગરસેવક ઉજેશ પટેલની આગેવાનીમાં યશેષ માળી, ઉર્વશી પટેલ, સોનલ પટેલે આજરોજ દૂરંદેશી રાખી વલસાડ જિલ્લા કલેકટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં વલસાડ શહેરને અડીને આવેલા 15 ગામો પૈકી 4-4 ગામોની 3 નગરપાલિકા અને 3 ગામોની 1 નગરપાલિકા મળી કુલ 4 નગરપાલિકા બની શકે તેમ જણાવ્યું છે.
તેમનાં જણાવ્યાં મુજબ વલસાડ શહેરને અડીને આવેલાં ભાગડાવડા, નનકવાડા, તિથલ, કોસંબાની હાલની વસ્તી અંદાજે 52,000 જેટલી થવા જાય છે. એ જ રીતે વશિયર, પારનેરા, પારનેરા પારડી અને અતુલની વસ્તી 28,000 થવા જાય છે. જ્યારે પારડી સાંઢપોર, ગુંદલાવ અને ધમડાચીની વસ્તી 31,000 જેટલી થાય છે. ભાગડાખુર્દ, હિંગળાજ, લીલાપોર, વેજલપુરની વસ્તી 25,700 જેટલી થાય છે. આ 15 ગામોને 4 ભાગમાં એકબીજામાં ભેળવી દઈ વલસાડ શહેરને અડીને નવી 4 નગરપાલિકા બનાવી શકાય તેમ છે.
વળી, વલસાડ શહેરને અડીને આવેલું નનકવાડા, ભાગડાવડા, પારડી સાંઢપોર, વશિયર, અટકપારડીનો વિસ્તાર શહેરી વિસ્તાર બની ગયો છે ત્યાં જમીનના ભાવો પણ આસમાને છે. ગુંદલાવ પણ જીઆઇડીસીને કારણે ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ હરણફાળ ભરી રહ્યું છે. અનેક પરપ્રાંતિયો નોકરી ધંધાર્થે ગુંદલાવમાં વસવાટ કરી રહ્યા છે. ધમડાથી પણ ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. લીલાપુર અને વેજલપુરમાં પણ અનેક રેસીડેન્સીયલ પ્રોજેક્ટ હાથ ધરાઈ ચૂક્યા છે. આ તમામ ગામડાઓ વલસાડની જેમ ઝડપી વિકાસ પામી રહ્યા છે. જેથી આ તમામ ગામડાઓ નગરપાલિકા બને કે મહાનગરપાલિકા બને તો રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ખૂબ ઝડપથી વિકાસ થઈ શકે તેમ છે.
વલસાડ પાલિકા મહાનગરપાલિકા બનવા માટે પણ સક્ષમ છે. ઉજેશભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલમાં વલસાડ નગરપાલિકાની વસ્તી 1,72,000 જેટલી થાય છે અને આ બાકીના 15 ગામોની વસ્તી 1,36,700 જેટલી થાય છે. જો આ 15 ગામો વલસાડ શહેર સાથે ભેળવી દેવામાં આવે તો વલસાડની વસ્તી 3,08,700 થાય છે. જે મહાનગરપાલિકા બનાવવા માટે પુરતી છે. રાજ્ય સરકાર આ બાબતે હકારાત્મક દૃષ્ટિએ વિચાર કરે તો રાજ્યમાં જે રીતે નવી મહાનગરપાલિકાઓની રચના થઈ તેમ વલસાડ પણ મહાનગરપાલિકા બની શકે છે અને વલસાડ તથા આજુબાજુનાં ગામડાનો ખૂબ ઝડપથી વિકાસ થઈ શકે એમ છે.