ગુજરાત એલર્ટ | વલસાડ
છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીની સંખ્યા ઓછી થઈ રહી છે. મોબાઈલના ટાવરોમાંથી નીકળતા તરંગો, પુરાણી ઢબના ઘરોનો સફાયો, વૃક્ષોનું નિકંદન સહિતના કારણોને લીધે ચકલીઓ હવે દેખાતી બંધ થઈ રહી છે. પહેલા જુના નળિયા તથા કાચા ઘરો હતા અને મકાનોમાં ખાચા રહેતા તો ચકલીઓ એમાં માળો કરી શકતી હતી.
સિમેન્ટ અને કોન્ક્રીટના મકાનો હાઈરાઈઝ બિલ્ડીંગો થઈ જતાં ચકલી માટે આશરો લેવો મુશ્કેલ બન્યું છે. એ સમય દૂર નથી ચકલી અંગેની માહિતી જોઈતી હોય તો ફોટોના માધ્યમથી સહારો લેવો પડશે. કે પ્રાણી સંગ્રહાલયમાં જવું પડશે. આ પક્ષીની લુપ્ત થવા માટે બીજું કોઈ નહીં પરંતુ ખુદ આપણે જ જવાબદાર છે.
એ દિવસ ન આવે એટલા માટે જ વલસાડના યુવાનોએ ચકલી બચાવવા અનોખી ઝુંબેશ ઉપાડી છે. વલસાડમાં સેવા મિત્ર મંડળના યુવાનોએ 20 માર્ચએ “વર્લ્ડ સ્પેરો ડે” ની ઉજવણી નિમિત્તે આજરોજ અઢી હજારથી વધુ માળાઓ નિ:શુલ્ક વિતરણ કર્યા હતા.
યુવાનો દ્વારા માળા અને પાણીના બાઉલ વિતરણ કરવાના કાર્યક્રમમાં વલસાડવાસીઓએ પણ જબરજસ્ત ઉત્સાહ દેખાડ્યો હતો. સાંજે 4 થી 7 વાગ્યા સુધીના વિતરણના કાર્યક્રમમાં 4 વાગ્યાથી જ લોકોએ ગવર્મેન્ટ કોલોની સામે આવેલા મેદાનમાં લાઈનો લગાવી દીધી હતી. ઘર આંગણે ચકલી આવીને માળામાં વસે તે માટે વલસાડના રહીશોએ લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહી માળા મેળવ્યા હતા. ચકલી બચાવવા માટેની આ અનોખી ઝુંબેશને જબરજસ્ત જનસમર્થન સાંપડ્યું હતું.