ગુજરાત એલર્ટ । વલસાડ
“વિકસિત ભારત, વિકસિત ગુજરાત” અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને પાટણથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પારડીના કુમારશાળાના મેદાન પર યોજાયો હતો.
નારી શક્તિ વંદના કાર્યક્રમમાં રાજ્યના ૧૩ હજારથી વધુ સ્વ- સહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી વિકાસની રાજનીતિની શરૂઆત કરી હતી. પહેલા ભાષાવાદ, જાતિવાદ અને પ્રાંતવાદની રાજનીતિ થતી હતી પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ ચાર જાતિ મહિલા, ખેડૂતો, યુવા અને ગરીબને મહત્વ આપ્યું છે. મહિલાઓના સશક્તિકરણની શરૂઆત નરેન્દ્રભાઈએ મહિલા અને બાળ મંત્રાલયની શરૂઆતથી કરી હતી.
મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી હોવાનું મંત્રીશ્રીએ જણાવી દ્રષ્ટાંત આપતા વધુમાં કહ્યું કે, દૂધ ક્ષેત્રે ગુજરાત સમગ્ર ભારતનું નેતૃત્વ કરી રહ્યું છે. દૂધ ક્ષેત્રે મંડળીઓએ ક્રાંતિ સર્જી છે. જેમાં બહેનોનો ફાળો અતુલનીય છે. મહિલા સંચાલિત દૂધ મંડળીઓ મહિને રૂપિયા એક કરોડથી બે કરોડના ચેક કમાઈ રહી છે.
મહિલાઓના વિકાસ માટે જરૂરી અનામત અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, સ્વાયત સંસ્થા અને વિધાનસભા- લોકસભામાં ૫૦ ટકા મહિલા અનામત કરવાથી દેશ નવી દિશામાં જઇ રહ્યો છે. મહિલાઓ દેશના વિકાસમાં પોતાનું મહત્તમ યોગદાન આપી રહી છે. આજીવિકા માટે કોઈ પણ કામ કરવા માટે સ્કિલ હોવી જરૂરી હોવાથી તે દિશામાં પણ સરકાર કામ કરી રહી છે. સ્વ સહાય જૂથની બહેનોના વિકાસ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, બહેનોને તાલીમ બાદ ધંધો શરૂ કરવા માટે સહાય પણ મળે છે. મહિલાઓને પાપડ-ખાખરા- શરબત જેવી ખાદ્ય ચીજો બનાવવાની તાલીમ અપાઈ રહી છે. બહેનો અમુલ પાર્લર, સસ્તા અનાજની દુકાનો અને કેન્ટીન ચલાવી પગભર થઈ રહી છે. કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓ કદમ મેળવી રહી હોવાથી તેઓ આધુનિક અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખેતી કરી શકે તે માટે ૭.૫૦ લાખ લખપતિ અને ડ્રોન દીદી તૈયાર કરી મહિલાઓને આજીવિકા આપવાનું સપનું છે.
આજની કિશોરી ભવિષ્યની માતા હોવાનું જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, કિશોરી પોષણયુક્ત બને તે માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ધો. ૯ અને ૧૦ ની વિદ્યાર્થિનીને વાર્ષિક રૂ.૧૦ હજાર અને ધો.૧૧-૧૨ ની વિદ્યાર્થીનીઓને રૂ.૧૫ હજારની સહાય અપાશે. જેના થકી શિક્ષણની સાથે પોષણ પણ મળશે. વિશ્વની મોટી મોટી કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીનીઓ વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવે તે માટે નમો સરસ્વતી યોજના હેઠળ ધો.૧૧ માં રૂ.૧૦ હજાર અને ધો.૧૨ માં રૂ.૫ લાખ સુધીનો લાભ મળશે. સરકાર કિશોરીઓ અને યુવાનોની ચિંતા કરી તેઓને આગળ લાવી નવા ભારતનું નિર્માણ કરવા જઈ રહી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું વર્ચ્યુઅલ ઉદબોધન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ નિહાળ્યું હતું. નારીના મહત્વને દર્શાવતી નારી શક્તિના ઉત્કર્ષની દસ્તાવેજી ફિલ્મને સૌએ નિહાળી હતી. વડાપ્રધાનશ્રીએ સ્વ સહાય જૂથની લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. NRLM/NULM યોજનાના લાભાર્થીઓને મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે કેશ ક્રેડિટ, રિવોલ્વીંગ ફંડ અને સ્ટાર્ટઅપ ફંડની સહાય વિતરણ કરવામાં આવી હતી.
સ્વ સહાય જૂથની ૩ લાભાર્થી બહેનો દ્વારા સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત, દેશ ભક્તિ ગીત, ગરબા અને સ્વચ્છતાનો સનેડો સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂ કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયત પ્રમુખ મનોજભાઈ પટેલ, પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રીઓ સર્વ કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, પારડી પાલિકા પ્રમુખ બી.બી.ભાવસાર, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, પારડી તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે.કલસરિયાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંબાચ વાઘસર પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશભાઈ પટેલ અને વિસ્તરણ અધિકારી વનરાજસિંહ પરમારે કર્યું હતું.
સિવણની તાલીમ આપી ૧૦૦ થી વધુ બહેનોને આત્મનિર્ભર બનાવી
પારડી તાલુકાના તરમાલિયા ગામના સત્ય સંકલ્પ સ્વ સહાયજુથના કુસુમબેન તેજસભાઈ પટેલે સાફલ્ય ગાથા જણાવતા કહ્યું કે, અમારા મંડળમાં ૧૦ બહેનો છે. મિશન મંગલમ યોજના હેઠળ સૌ પ્રથમવાર રૂ.૧૨ હજાર રિવોલવીંગ ફંડ મળ્યું હતું ત્યારબાદ રૂ.૧ લાખ અને પછી રૂ.૩ લાખ કેશ ક્રેડિટ મળી હતી. જેમાંથી રૂ.૫૦ હજાર લોન લઈ ભાડાના મકાનમાં ૫ સિવણ મશીન ખરીદી મહિલાઓને તાલીમ આપવાનું શરૂ કરી અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ મહિલાઓને તાલીમ આપી છે. જેના થકી તેઓ આત્મનિર્ભર બની છે. હું પોતે પણ હાલમાં મહિને રૂ.૧૦ હજાર થી ૧૫ હજાર આજીવિકા મેળવી રહી છું. જે બદલ હું સરકારનો આભાર માનું છું.