ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદારોમાં મતદાન જાગૃત્તિ માટે વલસાડ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક ના માર્ગદર્શન હેઠળ સ્વીપ મેનેજમેન્ટના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને તેમની ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે જિલ્લાની દિવ્યાંગ સંસ્થાઓમાં પણ દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે પીડબલ્યુડી નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એમ.ગોહિલના સહયોગથી તા. ૨૨ માર્ચના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લામાં કુલ ૯ સ્થળે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં (૧) વલસાડની નેશનલ એસોસીએશન ફોર ધી બ્લાઈન્ડ, નનકવાડા, વલસાડ, (૨) ધી ટાટા એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ટ્રેનીંગ સેન્ટર ફોર ધી બ્લાઈન્ડ, ફણસા, (૩) મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુકબધિર વિદ્યાલય દેગામ, (૪) માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની વિશિષ્ટ શાળા, વાત્સલ્ય સ્કૂલ, કિલ્લા પારડી, (૫) જલારામ મનોવિકાસ કેન્દ્ર, જયના અનુપમ એન્ડ પરમાર ડે કેર મંદબુધ્ધિ બાળકોની સંસ્થા, કૈલાસ રોડ, વલસાડ, (૬) ઉદય ચેરીટેબલ ટ્રસ્ટ, વલસાડ, (૭) દિલખુશ હોમ, ઉમરગામ, (૮) ગીરીજન આદિજાતિ દિવ્યાંગ સેવા ટ્રસ્ટ, ધરમપુર અને (૯) પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર, ઉમરગામનો સમાવેશ થાય છે. આ ૯ સંસ્થાઓમાં અધિકારીઓ દ્વારા દિવ્યાંગ મતદારોને પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરવા માટે આહવાન કરાયુ હતું. આ સિવાય જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવનાર સુવિધાઓ વિશે પણ દિવ્યાંગ મતદારોને વાકેફ કરાયા હતા. વધુમાં વધુ મતદારો આ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લે તે મુજબનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.