વલસાડ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે ”ઉજાસ-એક આશાની કિરણ”:પ્રિ-લીટીગેશન મેટ્રીમોનીયલ કાયમી લોક અદાલત ની શરૂઆત: લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા

ગુજરાત એલર્ટ । વલસાડ
લગ્નવિષયક તકરારોમાં કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી થઈ શકે એવા ઉમદા આશય સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુ.શ્રી. સુનિતાબેન અગ્રવાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજયની તમામ જિલ્લા કોર્ટ સહિત વલસાડ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે લગ્નવિષયક (મેટ્રોમોનિયલ) કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલત “ઉજાસ – એક આશાની કિરણ” નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, તેમજ તેની સાથે વાપી અને ઉમરગામ તાલુકા કોર્ટ ખાતે નવાં મિડીએશન સેન્ટરનું વર્ચ્યુલી ઉદ્દઘાટન પણ કરાયું હતું. આ વ્યવસ્થાથી કોર્ટમાં કેસ કર્યા વિના દંપતિઓને સમાધાનના માર્ગે લગ્નજીવન બચાવવાની સુવર્ણતક મળશે.
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ- અમદાવાદની અનુશ્રામાં તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, વલસાડ નાં અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ વલસાડ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે શરૂ થયેલા પ્રિ-લીટીગેશન મેટ્રીમોનીયલ કાયમી લોક અદાલત સેન્ટરમાં વલસાડનાં મહિલા સીનીયર સીવીલ જજ તેમજ એક ટ્રેઇન્ડ મિડીએટર લગ્નજીવનની તકરારોને શાંતિપૂર્વક સાંભળશે તેમજ કાયદા અનુસાર તેઓની તકરારોનું નિઃશુલ્ક અને સુખદ સમાધાન થાય તેવા પ્રયત્નો કરશે.
નોંધનીય છે કે, હાલ સમાજમાં દાંપત્ય જીવનની તકરારોમાં વધારો થતો જાય છે, અને હસતાં રમતાં અનેક પરિવારો વિભક્ત થતા જાય છે, જેના કારણે બાળકો, વડીલો સહિત દંપતિઓનું ભવિષ્ય ધુંધળુ બને છે. સુખી સંપન્ન પરિવાર વર્ષો સુધી વિખવાદમાં રહે છે. પરિવારમાં એક સામાન્ય સમસ્યાનો ત્વરિત ઉકેલ મળી જાય તો સંપૂર્ણ પરિવાર વિખુટો થતા બચી શકે છે. હવેથી કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલત થકી પક્ષકારોને કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા તેઓની દાંપત્ય જીવનની તકરારોનું સુખદ સમાધાન શક્ય બનશે. આ પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે, આથી બંને પક્ષકારોને કોર્ટનાં ધક્કા ખાવાનો સમય તેમજ નાણાંનો પણ બચાવ થશે. પક્ષકારો આ પ્રિ-લીટીગેશન મેટ્રીમોનીયલ કાયમી લોક અદાલતમાં પોતાનો કેસ સમાધાન માટે મુકવા વલસાડ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડનો તેમજ તાલુકા કોર્ટોમાં આવેલ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકો છો, એમ વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!