રવિવારે વલસાડ શહેરમાં એક સાથે બે મેરેથોન યોજાશે

શહેરમાં વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા તિથલથી રન મેરેથોનનું આયોજન કરાયું છે: મતદાન જાગૃતિ માટે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દવારા શહેરમાં સાયકલ મેરેથોનનું આયોજન કરાયું છે.

વલસાડ
રવિવારે વલસાડ શહેરમાં વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા તિથલથી રન મેરેથોનનું આયોજન કરાયું છે જયારે મતદાન જાગૃતિ માટે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દવારા શહેરમાં સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

વલસાડ રેસર્સ ગ્રુપ વલસાડમાં દર વર્ષે મેરેથોનનું આયોજન કરે છે. જે મુજબ આવતીકાલે રન મેરેથોન યોજવા ડો. કલ્પેશ જોશી, ડો. સંજીવ દેસાઈ, ડો, અજિત ટંડેલ, યતિન પટેલ, નિતેશ પટેલ, પ્રિતેશ પટેલ સહિતના રેસર્સ ગ્રુપના મેમ્બરોએ તડામાર તૈયારીઓ કરી હતી. આ મેરેથોન વલસાડ તિથલ સ્થિત શાંતિ રિસોર્ટ પરથી મળસ્કે 4:15 વાગ્યાથી શરૂ થઈ લગભગ 10 વાગ્યે ઈનામ વિતરણ સહિતનો કાર્યક્રમ પૂર્ણ કરાશે. સ્પર્ધકો માટે 5 કિમીથી 42 કિમી સુધીની મેરેથોન રાખવામાં આવી છે. સ્પર્ધકોનું રોયલ ક્રુઇઝર ગ્રુપ દ્વારા બુલેટ પર પાયલોટિંગ કરવામાં આવશે. આજે બપોરથી પ્રિ- પ્રીપેરેશનના ભાગરૂપે નિષ્ણાતો દ્વારા ટ્રેનિંગ, બીબ વિતરણ સહિતની કામગીરીઓ કરાઈ હતી.

આ ઉપરાંત વલસાડ જિલ્લામાં તા.1 ડિસેમ્બરે મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય તેવા પ્રયાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયા છે. જે સંદર્ભે મતદાન જાગૃતિ માટે સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા SVEEP ( Systematic Voters’ Education and Electoral Participation) કાર્યક્રમ અંતર્ગત તા. 13 નવેમ્બરને રવિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન વલસાડ શહેરમાં સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકલ મેરેથોનનો પ્રારંભ કોલેજ કેમ્પસથી થશે ત્યારબાગ ભાગડાવડા-દાદીયા ફળિયા, ધોબીતળાવ, આઝાદચોક, સ્ટેડિયમ રોડ, બસ સ્ટેન્ડ, ધરમપુર રોડ, આરપીએફ ચોકડી, નનકવાડા હાલર રોડ થઈ સર્કિટ હાઉસ ખાતે મેરેથોન પૂર્ણ થશે. સાયકલ મેરેથોન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ટ્રાફિક નિયમન કરવા પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!