ખેરગામ
ખેરગામના જગદંબાધામમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની ફેસબુક ઓનલાઈન ભાગવત કથામાં આજે ગોવર્ધન પૂજાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. વિમલભાઈ કપિલદેવ ભટ્ટ (તીઘરા) , અલ્પેશભાઈ હર્ષદરાય ભટ્ટ (સલવાવ) દ્વારા ગોવર્ધનનાથની પૂજા કરવામાં આવી હતી. ગં.સ્વ: લીલાબેન મકનભાઈ પટેલના પરિવાર દ્વારા હંસાબેન અશોકભાઈ ઇટવાલા ભરૂચ દ્વારા ટેલીફોનિક સંકલ્પથી પોથીપૂજન કરવામાં આવ્યું હતું. પ્રિ.ભરતભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વનરાજભાઈ પટેલ (માંડવખડક) દ્વારા દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુક્લએ કહ્યું હતું કે કૃષ્ણ ભગવાને પહેલા ગોકુળમાં પ્રેક્ટિકલ કર્યું છે.પછી કરુક્ષેત્રના મેદાનમાં પ્રવચન કર્યું છે.ગીતામાં ભગવાન બોલ્યા છે “યોગક્ષેમ વ્હામયહમ” અર્થાત જે મારા ભરોસે જીવે છે.એનું ભારવહન હું કરૂં છું. ભરોસો જ ભગવાન છે. વિશ્વાસ આખા વિશ્વનો શ્વાસ છે જે ભગવદ્દ આશ્રય કરે છે. તે જીવની બધી જવાબદારી ભગવાનની થઈ જાય છે.એટલે જ નરસિંહ મહેતા કહેતા “તારો ભરોસો મને ભારી”. કોરોના મૃતકોને સ્મરણાર્થે યોજાયેલી આ ભાગવત કથામાં આવતીકાલે બુધવારે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ સાદાઈથી ઉજવવામાં આવશે. માક્ષિત રાજ્યગુરૂ અને ઉનાઇમાતા મંદિરના પૂજારી રાકેશ દુબે દ્વારા મંગલાષ્ટક મંત્રોચ્ચાર કરવામાં આવશે.