ગુજરાત એલર્ટ । વલસાડ
ભારત દેશના સૌથી નાની ઉંમરના ક્રાંતિકારી એવા સિંધી સમાજના વીર શહીદ હેમુ કાલાણીના 80 મા શહાદત વર્ષ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વલસાડના ઝુલેલાલ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં વીર શહીદની તસવીર પર પુષ્પહાર લગાડીને સમાજના આગેવાનોએ પુષ્પાંજલી અર્પી હતી. ઉલ્લેખનીય છે કે, શહીદ હેમુ કાલાણીનો જન્મ સિંધ પ્રાંતમાં થયો હતો. તેઓ નાની વયે દેશની સ્વતંત્રતાની લડાઈમાં જોડાઈ ગયા હતા. અંગ્રેજ શાસકો દ્વારા તેમને 1943 માં ફાંસી અપાઈ હતી. સિંધી સમાજ દ્વારા દર વર્ષે 21મી જાન્યુઆરીના રોજ તેમની યાદમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ વર્ષે પણ વલસાડ ખાતે જુલેલાલ મંદિરે વીર શહીદ હેમુ કાલાણીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. વલસાડ ખાતે આવેલા જુલેલાલ મંદિરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપપ્રમુખ ધનપતભાઈ ખેમાણી દ્વારા મંદિરમાં પૂજા કરાઇ હતી. જેમાં જયકુમાર શર્મા સેક્રેટરી કમલેશ અછારા, રેણુકાબેન તલરેજા અને પ્રેમ માલાણી સહિત સિંધી સમાજ કમિટીના તમામ સભ્યો હાજર રહી હેમુ કાલાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.