વલસાડ
ગુજરાત સરકારે રાજ્યના ૭૭ આઈએએસ અધિકારીઓની બદલીમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે. વલસાડના કલેકટર તરીકે અગાઉ ક્ષિપ્રા આગ્રે અને નવસારીના કલેકટર તરીકે અમિત યાદવની નિમણૂક કરાઇ છે.
આજરોજ રાજ્યસરકારે જિલ્લાના મહેસુલી વડાઓની બદલી કરતા સનદી અધિકારીઓમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. વલસાડ કલેકટર આર. આર. રાવલ આગામી તા. ૩૦.૦૬.૨૧ ના રોજ નિવૃત્ત થનાર હોય વલસાડના ૩ ધારાસભ્ય દ્વારા તેમને વલસાડ કલેકટર તરીકે એક્સ્ટનશન આપવા માટે સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ એનું કોઈ પરિણામ આવ્યું નથી. આર.આર. રાવલની જગ્યાએ સુરત મ્યુનિસિપલ કમિશનર ક્ષિપ્રા આગ્રેની વલસાડ કલેકટર તરીકે નિમણૂક કરાઇ છે. ક્ષિપ્રા આગ્રે અગાઉ વલસાડ પ્રાંત અધિકારી તરીકે સફળ કામગીરી બજાવી કડક અધિકારી તરીકે અરજદારોમાં છાપ ઉપસાવી હતી. તેમની નિમણૂક થી વલસાડ જિલ્લાને સફળ સુકાની મળશે એમ લાગી રહ્યું છે. આ બદલીમાં ખૂબ જ એક્ટિવ વલસાડના ડીડીઓ અર્પિત સાગરની નવસારી ડીડીઓ તરીકે બદલી કરાઈ છે.
ક્ષિપ્રા આગ્રે
જ્યારે વલસાડ ડીડીઓ તરીકે ૨૦૧૭ ની બેચના ભુજના અધિક કલેકટર મનીષ ગુરવાનીની નિમણૂક કરાઇ છે. આ ઉપરાંત નવસારીના કલેકટર આર્દ્રા અગ્રવાલને ગાંધીનગર રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેમજ તેમને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમના સ્થાને નવસારી કલેકટર તરીકે ગાંધીનગર મ્યુનિસિપાલટીના રિજનલ કમિશનર અમિત યાદવની નિમણૂક કરાઇ છે. નવસારી ડીડીઓ પ્રશસ્તિ પરિકની ગાંધીનગરના મ્યુનિસિપાલટીસ ના રિજનલ કમિશનર તરીકે બદલી કરાઈ છે. આ ઉપરાંત ડાંગના ડીડીઓ હરજી વઢવાણિયાને તાપીના કલેકટર બનાવાયા છે. જ્યારે જામનગરના ડી.ડી.ઓ.ને ડાંગના ડીડીઓ તરીકે નિમણૂક કરાઇ છે. સુરતના કલેકટર ડો. ધવલ પટેલને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર બનાવી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત અગાઉ વલસાડ-નવસારી જિલ્લામાં કલેકટર તરીકે ફરજ બજાવી ગયેલા રેમ્યા મોહનને રાજકોટ કલેકટરથી બદલી કરી ગાંધીનગર નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર બનાવાયા છે. અગાઉ વલસાડમાં ડીડીઓ તરીકે ફરજ બજાવી ગયેલા ગૌરાંગ મકવાણાને ભાવનગર કલેકટરથી બદલી કરી અમરેલીના કલેક્ટર બનાવાયા છે. આ ઉપરાંત ઉદીત અગ્રવાલને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરથી બદલી કરી મહેસાણા કલેક્ટર બનાવાયા છે.