આજે વલસાડ જિલ્લાની ૩ નગરપાલિકા અને ૨ તાલુકા પંચાયતની ૩ બેઠક પર ચૂંટણી જંગ જામશે: જિલ્લામાં પાલિકા અને તા.પં.ની કુલ ૯૧ બેઠક પર ૨૨૦ ઉમેદવારો માટે ૧૬૪૮૪૪ મતદારો મતદાન કરશે

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ, પારડી, ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ઉમરગામમાં તાલુકા પંચાયતની સરીગામ-૨ અને ફણસા-૧ તેમજ કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠક પર આજે તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મતદાન થનાર હોય મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેકટરશ્રી નૈમષ દવેના નેતૃત્વમાં તમામ પ્રક્રિયા આટોપી લેવાઈ હતી. ડીસ્પેચીંગ સેન્ટર પરથી ૮૯૦ પોલીંગ સ્ટાફ ઈવીએમ સાથે ચૂંટણી કર્મીઓ મતદાન મથકો પર જવા રવાના થયા હતા.
વલસાડ પાલિકામાં વોર્ડ નં. ૧ થી ૧૧માં કુલ ૪૪ બેઠકો પૈકી ૭ બેઠકો બિનહરીફ થતા બાકી રહેતી ૩૭ બેઠકો માટે મતદાન થશે. બિનહરીફ થયેલી બેઠકોમાં વોર્ડ નં. ૮ની ૪ બેઠકો, વોર્ડ નં. ૯ની ૧ અને વોર્ડ નં. ૧૦ ની ૨ બેઠકો મળી કુલ ૭ બેઠક બિનહરીફ થઈ છે. પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કુલ ૯૮૪૬૭ મતદારો ૧૦૫ ઉમેદવારો માટે કુલ ૧૦૦ મતદાન મથકો પર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરી શકશે. જે પૈકી ૨૧ સંવેદનશીલ મતદાન મથકો છે. પાલિકાની ચૂંટણીમાં મતદારે કુલ ૪ મત આપવાના થાય છે. પરંતુ વોર્ડ નં. ૯માં ૧ બેઠક બિનહરિફ થયેલી હોવાથી આ વોર્ડના મતદારે ૩ મત આપવાના થાય છે. વોર્ડ નં. ૧૦માં બે બેઠક બિનહરિફ થતા આ વોર્ડના મતદારે બે મત આપવાના થાય છે. ૩૭ બેઠક પર કુલ ૧૦૫ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે જેમાં ભાજપના ૩૭, કોંગ્રેસના ૨૭, આમ આદમી પાર્ટીના ૪ અને અપક્ષ ૩૭ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પારડી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ થી ૭ માં કુલ ૨૮ બેઠકો પૈકી ૧ બેઠક બિનહરીફ થતા બાકી રહેતી ૨૭ બેઠકો માટે ૩૨ મતદાન મથકો પર કુલ ૨૪૧૪૯ મતદારો મતદાન કરશે. કુલ ૫૮ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. ૧૨ મતદાન મથકો સંવેદનશીલ છે. મતદારે કુલ ૪ મત આપવાના થાય છે પરંતુ વોર્ડ નં. ૨માં એક બેઠક બિનહરિફ થતા આ વોર્ડના મતદારોએ અધિક્તમ ૩ મત આપવાના રહે છે. પારડી પાલિકામાં કુલ ૫૮ મુરતિયા છે, જેમાં ભાજપના ૨૭, કોંગ્રેસના ૨૬, આપના ૧ અને અપક્ષના ૪ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ધરમપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ થી ૬ માં ૨૪ બેઠકો માટે ૨૩ મતદાન મથક પર ૨૦૬૫૪ મતદારો મતદાન કરશે. પાંચ મતદાન મથક સંવેદનશીલ છે. ૪૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ધરમપુર પાલિકાની ચૂંટણીમાં એક પણ બેઠક બિનહરીફ થઈ નથી જેથી કુલ ૨૪ બેઠકો પર ખરાખરીનો જંગ જામશે. જેમાં ૪૯ ઉમેદવારોમાં ભાજપના ૨૪, કોંગ્રેસના ૧૭, આપના ૪ અને અપક્ષ ૪ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ઉમરગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફણસા-૧ માં ૮ મતદાન મથક છે જે પૈકી ૨ સંવેદનશીલ છે. આ બેઠક પર ૭૭૮૦ મતદારો છે. આ એક બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર થશે જ્યારે સરીગામ-૨ બેઠક પર ૬ મતદાન મથક છે. જે પૈકી પાંચ સંવેદનશીલ છે. આ બેઠક પર કુલ ૬૬૭૧ મતદારો છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે.
કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠક પર ૧૦ મતદાન મથકો પૈકી ૩ સંવેદનશીલ છે. આ બેઠકમાં સમાવિષ્ટ રાહોર, કાસટવેરી, પીપરોટી, ચીચપાડા, માની, બોરપાડા, ટોકરપાડા, ઘોટણ અને ફળી ગામના કુલ ૭૧૨૩ મતદારો ૩ ઉમેદવારો માટે મતદાન કરશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ૩ ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો માહોલ રહેશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં ૩ ડીવાયએસપી, ૧૫ પીઆઈ, ૩૨ પીએસઆઈ, ૨૨૩ પોલીસ, ૪૨૮ હોમગાર્ડ અને ૪૪ એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!