ગુજરાત એલર્ટ | વલસાડ
દર વર્ષે તા. ૩ ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વલસાડ જિલ્લામાં દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓને સ્વાવલંબન બનાવવાની વાત હોય કે, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની વાત હોય, દિવ્યાંગોના કલ્યાણ અને પુનર્વસનની વાત આવે ત્યારે તેઓના માર્ગદર્શક તરીકે નેત્રહિન એવા વલસાડના સામાજિક કાર્યકર રામભાઈ કોયાભાઈ પટેલનું નામ ગર્વથી લેવાય છે.
દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે પોતાનું સમગ્ર જીવન હોમી દેનાર રામભાઈ પટેલનો જન્મ તા: ૦૨/૦૨/૧૯૫૦ના રોજ વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગામમાં થયો હતો. ૧૯૭૨ની સાલમાં તેમની આંખમાં પરદાની ખામી થતા બંને આંખમાં અચાનક અંધાપો આવી ગયો હતો. અનેક હોસ્પિટલોમાં સારવાર પણ કરાવી પરંતુ કોઈ ફરક પડ્યો ન હતો. રાતો રાત તેમની જીંદગી બદલાય જતા તેમના પર આભ તૂટી પડ્યુ હતું. તેમના પર આવી પડેલી આ અણધારી આફતને કેવી રીતે અવસરમાં પલટી શકાય તે માટે સતત મનોમંથન કરતા વિચાર આવ્યો કે, આંખો ન હોવાથી મને આટલી તકલીફ પડી રહી છે તો જે લોકો ખરેખર નેત્રહિન છે તે લોકો કેવી રીતે જીવન જીવતા હશે?, અનેક હાડમારી, યાતના અને બીજાની દયા પર નિર્ભર જીવન આત્મનિર્ભરતા સાથે કેવી રીતે સરળતાથી જીવી શકાય તે માટે ઘોર નિરાશાઓ વચ્ચે તેમના મનમાં એક આશાનું કિરણ ફૂટયું કે, દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓને શિક્ષિત બનાવવામાં આવે તો તેઓના જીવનમાં હકારાત્મક બદલાવ આવી શકે છે તે માટે સૌ પ્રથમ તેમણે પોતે જ તાલીમ લેવાનું નક્કી કર્યુ. નેત્રહીન વ્યક્તિને સામાન્ય જીવન જીવવાની તાલીમ મુંબઈના વરલીમાં નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ ખાતે આપવામાં આવતી હોવાની જાણ થતા જ ત્યાં પહોંચી જઈ તાલીમ મેળવી હતી. જીવનમાં હાર નહીં માની દિવ્યાંગોના કલ્યાણ અર્થે અલગ અલગ રાજયોમાં પણ જઈ તાલીમ મેળવી હતી. આ સિવાય મુંબઈમાં ટીચર્સ ટ્રેનીંગમાં ટેલીફોન ઓપરેટીંગ વગેરે રોજગારલક્ષી તાલીમ લઇ ખાલસા કોલેજમાં બી.એ.ની ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. આ સમગ્ર સંઘર્ષમાં NAB INDIA પથદર્શક બન્યું હતું. ત્યારબાદ વલસાડ પરત ફરી જિલ્લા સહકારી બેંક ખાતે ટેલિફોન ઓપરેટર તરીકે ૨૦૦૮ સુધી નોકરી કરી હતી સાથો સાથ વર્ષ ૧૯૮૪માં દિવ્યાંગોના વિકાસ માટે નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ સંસ્થાની વલસાડ ખાતે સ્થાપના કરી શરૂઆત પોતાના નિવાસસ્થાનેથી માત્ર ૫ અંધજનો સાથે કરી હતી. આજે વલસાડ જિલ્લામાં વટવૃક્ષ સમાન બનેલી આ સંસ્થામાં ૧૫૦ જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો દર વર્ષે વિવિધ તાલીમ અને શિક્ષણ મેળવે છે.
શૂન્યથી સર્જન કરી સફળતાના શિખરે પહોંચી હજારો દિવ્યાંગોના અંધકાર જીવનમાં પ્રકાશ ફેલાવનાર સમાજસેવી રામભાઈ કોયા પોતાના સંઘર્ષની ગાથા વર્ણવતા જણાવે છે કે, એનએબીમાં તાલીમ લીધા બાદ વલસાડમાં સહકારી બેંકમાં નોકરી મેળવી હતી આ સમયે બેંકમાં ટાઈપીસ્ટ કર્લાક તરીકે નોકરી કરતા સીતાબેન સાથે પરિચય થતા તેમની સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. અત્યાર સુધીના મારા સંઘર્ષમાં મારી પત્ની મારી આંખ બની મને મદદરૂપ થઈ છે. શરૂઆતમાં બે વર્ષ મારા ઘરે સંસ્થા ચલાવી હતી. વર્ષ ૧૯૯૦માં ગાંધીનગર સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પુખ્તવય ચક્ષુવિહીન તાલીમ કેન્દ્રને ગ્રાન્ટ સાથે માન્યતા મળતા ૮ સ્ટાફ અને ૩૫ તાલીમાર્થીને રાખવાની મંજુરી મળી. બાદમાં જે વધીને ૭૦ તાલીમાર્થીની મંજુરી મળતા સંસ્થાનાં વિકાસની શરૂઆત થઇ.
રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ગામડામાં નશાબંધી, અંધશ્ર્ધ્ધા નિર્મૂલન, વ્યસનમુક્તિ અને શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. આ સિવાય સરકારશ્રીની સંકલિત શિક્ષણ યોજના હેઠળ વલસાડ જિલ્લામાં જ્યાં અંધ બાળક હોય ત્યાં ગામડે ગામડે જઈ અંધ બાળકને સંકલિત શિક્ષણ યોજના હેઠળ નોર્મલ શાળામાં નોર્મલ બાળકો સાથે બ્રેઈલ લીપીની મદદથી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું.
દિવ્યાંગોના પુનઃવર્સનની જવાબદારી બખૂબી નિભાવનાર રામભાઈ વધુમાં જણાવે છે કે, વર્ષ ૨૦૦૨માં સંસ્થાનાં મકાનની લાગુ ૨૦૦૦ ચો.મી. કિસાન ભવનની જગ્યા વેચાણથી લઇ મારી બે દીકરી અનુપમા અને અમીએ વિદેશમાંથી ભંડોળ એકત્ર કરી દિવ્યાંગ બહેનો માટે છાત્રાલય બનાવ્યું જેમાં હાલ ૫૦ બહેનો રહે છે. આજે સંસ્થા અંદાજે ૩૦૦૦ ચો. મીટરની જગ્યા પર રમત માટે મેદાન, બે સંપૂર્ણ સુવિધા સાથે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે સ્વતંત્ર બિલ્ડીંગ ધરાવે છે. ગુજરાતના વિવિધ જિલ્લા તેમજ ગુજરાત બહારથી પણ દર વર્ષે ૧૫૦ દિવ્યાંગ ભાઈ બહેનો સંસ્થાના છાત્રાલયમાં રહી વિવિધ તાલીમ અને શિક્ષણ મેળવે છે, જેમાં હાલ પ્રાથમિક શાળામાં ૪૩, હાઇસ્કુલમાં ૩૭, કોલેજમાં ૭ અને તાલીમ કેન્દ્રમાં ૬૩ દિવ્યાંગ ભાઈ બહેનો તાલીમ લઇ રહ્યા છે.
સંસ્થામાંથી તાલીમ મેળવી પગભર બનેલા દિવ્યાંગોની વાત કરીએ તો હાલમાં ૮૫ જેટલા દિવ્યાંગો સરકારી શાળામાં સંગીત શિક્ષક તરીકે તો ૨૦૦ દિવ્યાંગો બાલાજી વેફર્સ અને સેલો બોલપેન પેકેજીંગ સહિતની કંપનીમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે. આ સિવાય એનએબી સંસ્થા ૩૦ જેટલા સ્ટાફને પણ રોજગારી આપી રહી છે.
વલસાડ એનએબી સંસ્થાના મુખ્ય ઉદેશ્ય સમજાવતા રામભાઈ કહે છે કે, નેત્રહીન વ્યક્તિને સ્વાવલંબી બનાવી સમાજમાં સ્વતંત્ર અને સ્વમાનભેર જીવન જીવી શકે તે મુજબનું પુન:વર્સન કરવાનો ઉદેશ્ય છે. અહી ધો. ૧ થી સ્નાતક સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. તાલીમ કેન્દ્રમાં સંગીતની તાલીમ પ્રારંભથી લઈને વિશારદ સુધી આપવામાં આવે છે. આ ઉપરાંત ફાઈલ બનાવટ, કમ્યુટર, નેતરકામ વગેરે વિવિધ રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દિવ્યાંગોને, શિક્ષણ, તાલીમ, વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ, રમત ગમત દ્વારા સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા સદૈવ પ્રયત્નશીલ રહ્યા છે. વિવિધ રમત ગમત ક્ષેત્રે પણ સંસ્થા ગુજરાતમાં અવ્વલ સ્થાને રહી છે.
ધરમપુર ચોકડી પાસે નિરાધાર દિવ્યાંગ વૃધ્ધો માટે વૃધ્ધાશ્રમ બનાવશે
દિવ્યાંગો માટે હજુ શુ બહેતર કરી શકાય કે તે માટે સતત વિચાર કરતા રામભાઈ પટેલ આગામી દિવસોમાં દિવ્યાંગ વૃદ્ધજનો માટે વૃધ્ધાશ્રમ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છે. જે માટે તેમને એક દાતા પાસેથી ધરમપુર ચોકડી નજીક જગ્યા પણ મળી છે. જેથી નિરાધાર દિવ્યાંગ સિનિયર સિટિઝનોને એક આધાર મળશે અને પાછળની જિંદગી સુખમય પસાર થઈ શકશે. આ રીતે તમામ દિવ્યાંગોના જીવનના ઉત્થાન માટે વર્ષ ૧૯૮૪થી એનએબી સંસ્થાના માનદમંત્રી તરીકે નિઃસ્વાર્થભાવે રામભાઈ આજીવન કાર્યરત છે.
રામભાઈના સેવાકીય કાર્યોની નોંધ લઈ મુખ્યમંત્રીશ્રીએ પણ સન્માનિત કર્યા
મૂક સેવક તરીકે દાયકાઓથી પોતાનું જીવન દિવ્યાંગોના કલ્યાણ માટે સમર્પિત કરી દેનાર પ્રજ્ઞાચક્ષુ રામભાઈ પટેલના સેવાકાર્યોની સુવાસ છેક ગાંધીનગર સુધી પહોંચતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે તા. ૧૫-૦૮-૨૦૨૩ના રોજ વલસાડ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે તેમનું સન્માન કરાયુ અને પ્રશંસા પત્ર પણ એનાયત કરાયુ હતું. આ સિવાય રાજ્ય સરકારના તત્કાલિન શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનાં હસ્તે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ, શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર તરફથી કાર્યકુશળતા માટે પ્રશંસા પત્ર, રોટરી કલબ ઓફ બલસાર તરફથી પ્રશંસાપત્ર, સમાજ સેવા માટે ઇન્ટરેક મેગા એવોર્ડ, જિલ્લા કલેકટર તરફથી શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન પત્ર, સ્વ. શ્રી ભીખાભાઈ સી. શાહ મેમોરિયલ એવોર્ડ અને બેસ્ટ ડિસ્ટ્રીક બ્રાંચ એવોર્ડથી પણ રામભાઈને સન્માનિત કરવામાં આવ્યા છે.