ગુજરાત એલર્ટ । વલસાડ
જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ‘‘અવસર લોકશાહીનો, અવસર મારા ભારતનો’’ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત મતદાનનો દિવસ આજે તા. ૭ મે ૨૦૨૪ના રોજ આંગણે આવીને ઉભો છે ત્યારે ૨૬- વલસાડ બેઠક પર સવારે ૭ થી સાંજે ૬ સુધી કુલ ૧૮૬૦૨૦૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનો મહાપર્વ હર્ષોલ્લાસભેર ઉજવશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી. જેમાં આજે થનારા ચૂંટણીના મહાસંગ્રામમાં મતદારોએ ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો, કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી પ્રક્રિયા ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં થાય તે માટે કરાયેલા આયોજનની માહિતી આપી હતી.
મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ૧૮.૬૦ લાખ મતદારો આજે વટ અને વચન સાથે વોટ કરશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ – જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની માહિતી આપતા જણાવ્યું કે, ૨૬ વલસાડ બેઠક પર ૯૪૫૫૩૦ પુરૂષ , ૯૧૪૪૨૫ મહિલા અને ૧૯ અન્ય અને ૨૩૩ સર્વિસ મતદારો મળી કુલ ૧૮૬૦૨૦૭ મતદારો નોંધાયા છે. જેમાંથી ૮૫ વર્ષથી વધુ વયના ૧૨૨૦૯ અને પીડબલ્યુડી (દિવ્યાંગ) ૧૨૨૦૯ મતદારનો સમાવેશ થાય છે. ૧૩૫૩ જગ્યા પર કુલ ૨૦૦૬ મતદાન મથકો પર મતદાન થશે. જે પૈકી ૧૦૫૯ લોકેશન પર ૧૫૨૬ મતદાન મથકો નોર્મલ છે જ્યારે ૨૯૪ સ્થળ પર ૪૮૦ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે ૬૪ મતદાન મથકો શેડો એરિયામાં આવેલા છે. વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર ૬૮૦ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે અને આ મતદાન મથકો પર ૩૨૯ માઈક્રો ઓબ્ઝર્વર નિગરાની રાખશે. મોડલ પોલીંગ સ્ટેશન ૭, મહિલા સંચાલિત મતદાન મથક ૪૯, યુથ સંચાલિત મતદાન મથક ૩ અને સંપૂર્ણ પણે દિવ્યાંગ કર્મીઓ દ્વારા ૭ મતદાન મથકો તૈયાર કરાયા છે. મતદાન મથકો પર કોઈ ઈવીએમ ખોટકાઈ તેવા સંજોગોમાં રિર્ઝવ યુનિટ સાથે કુલ ૨૫૦૬ બેલેટ યુનિટ, ૨૫૦૬ કંટ્રોલ યુનિટ અને ૨૭૦૭ વીવીપેટ ઉપલબ્ધ કરાવાયા છે. ૧૧૫૭૫ અધિકારીઓ અને કર્મીઓ પોલીંગ સ્ટાફ તરીકે ફરજ બજાવશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ હિટવેવની આગાહી સંદર્ભે જણાવ્યું કે, મતદાન મથકો પર મેડિકલ કીટ, ઓઆરએસ, પીવાનું પાણી, શૌચાલય અને છાંયડા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં તેમણે સાવચેતીના પગલારૂપે જણાવ્યું કે, હિટવેવની સંભાવનાને પગલે મતદારોએ શક્ય હોય ત્યાં સુધી નાના બાળકોને સાથે લઈ જવા નહી. મતદાર યાદીમાં નામ હોય પણ ચૂંટણી કાર્ડ ન હોય તો માન્ય ૧૨ માંથી એક પૂરાવો રજૂ કરીને પણ મતદાન કરી શકાશે. મતદાનની વિગતની કાપલીએ માત્ર માહિતી માટે છે, તેનાથી મતદાન કરી શકાશે નહી. મતદાન મથકે મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નવા નોંધાયેલા મતદારો પાસે ઈલેકશન કાર્ડ ન હોય તો તેઓ પોતાનો ડીજિટલ એપીક કાર્ડની પ્રિન્ટ સાથે લઈ જઈ શકશે. મતદાનના દિવસે સવેતન રજા આપવાની ઈલેકશન કમિશનની સૂચના હોવાથી જો કોઈ સ્થળે રજા ન આપે તો ૧૯૫૦ અને ટોલ ફ્રી નંબર પર ફોન કરી ફરિયાદ કરી શકે છે. દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો માટે માંગણી મુજબ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મતદાન સમયે દિવ્યાંગોને મદદ કરી શકે તે માટે ૪૫૨ સહાયકોની પણ ફાળવણી કરી છે. આજે જિલ્લાના પાંચ ડિસ્પેચીંગ સેન્ટર પરથી અઢી હજાર કર્મયોગીઓ પોતાની ફરજ બજાવવા માટે મતદાન મથકો સાધન સામગ્રી લઈને રવાના થયા છે. કાલે સવારે મોક પોલ બાદ ૭ કલાકે મતદાન ચાલુ થઈ જશે. તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ અવસરની ઉજવણીમાં સહભાગી બનવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે.
જિલ્લામાં ૩૭૬૩થી વધુ સુરક્ષા જવાનોનો મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવાયો
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે મહારાષ્ટ્રમાં જ્યાં સુધી ચૂંટણી સંપન્ન ન થાય ત્યાં સુધી વલસાડ જિલ્લાની ચેક પોસ્ટો પર એફએસટી અને એસએસટીની ટીમ ચેકિંગ ચાલુ રાખશે. જે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, જિલ્લાના મતદાન મથકો પર શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે કાયદો વ્યવસ્થાની જાળવણી માટે સી.એ.પી.એફ.ની પાંચ કંપની તથા બે સેકશન એસ.આર.પી તથા ત્રણ ડીવાયએસપી, ૫૨૬ પોલીસ તથા ૭૭૬ હોમગાર્ડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે કુલ ૬ ડીવાયએસપી, ૧૯ પીઆઈ, ૪૩ પીએસઆઈ, ૧૩૭૫ પોલીસ અને ૧૭૯૧ હોમગાર્ડ જવાનો દ્વારા સમગ્ર જિલ્લામાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો માન્ય રહેશે
મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે. જેના આધારે મતદારો મતદાન કરી શકશે. આ દસ્તાવેજોમાં ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, ભારતીય પાસપોર્ટ, વિશિષ્ટ દિવ્યાંગતા કાર્ડ, સર્વિસ ઓળખકાર્ડ, મનરેગા કાર્ડ, આધાર કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યૂ કરેલા સરકારી ઓળખપત્રનો સમાવેશ થાય છે. મતદાર માહિતી કાપલી માત્ર જાણકારી માટે છે. તે માન્ય દસ્તાવેજ નથી. તેથી ઉપર જણાવેલા ૧૨ દસ્તાવેજોમાંથી એક દસ્તાવેજ સાથે મતદાન કરવા જવું.
૨૬- વલસાડ બેઠક પર મતદારોની આંકડાકીય વિગત