વલસાડ જિલ્લામાં ફૂડ પ્રોસેસીંગના એકમો શરૂ કરવા મહત્તમ રૂ. ૧૦ લાખ સુધીની સહાય મળશે

ગુજરાત એલર્ટ । વલસાડ
ભારત સરકારશ્રીની મીનીસ્ટ્રી ઓફ ફુડ પ્રોસેસીંગ ઈંન્ડસ્ટીઝ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ (PMFME) કાર્યરત છે. આ યોજના અંતર્ગત ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ઉદ્યોગોદીઠ પાત્રતા ધરાવતા પ્રોજેકટ ખર્ચના ૩૫% (મહત્તમ રૂ.૧૦.૦૦ લાખ સુધીની) સહાય મળી શકે છે અને એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જૂથોને પ્રોજેકટ ખર્ચના ૩૫% (મહત્તમ રૂ.૦૩.૦૦ કરોડ સુધીની) સહાય મળી શકે છે.
સરકારશ્રીની આ યોજનાનો લાભ હાલના કાર્યરત પ્રોજેકટ કે નવો પ્રોજેકટ શરૂ કરવા માટે પ્રયત્નશીલ ફૂડ પ્રોસેસીંગ એકમોને પણ મળશે. જેઓ પોતાનો પ્રોજેક્ટ વધારી પણ શકશે. આ સિવાય નવા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ પણ ચાલુ કરી શકે છે. નાના ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગો જેવા કે જામ, જેલી, અથાણા, કેનીંગ, પલ્પીંગ, પ્યુરી, પેસ્ટ પાવડર, રેડી ટૂ સર્વ, રેડી ટૂ ડ્રીંક, પાપડ, મસાલા પ્રોસેસિંગ યુનિટ, ફ્રોજન શાકભાજી, પાપડ ખાખરા, નમકીન, બેકરી, દાળ મીલ, ચોખા મીલ, તલની ચીકી, સીંગની ચીકી, કચરીયું, પીનટ બટર, હળદર અને મરચાના મસાલા પ્રોસેસિંગ યુનિટ, ડેરી માટેના પનીર, ચીઝ, માવો, આઈસ્ક્રીમ, પાવડર, મરીન પોર્ડકટસ જેવી કે માછલીના અથાણાં, ઝીંગાના અથાણાં, ફ્રોજન,પાવડર વગેરે ઉદ્યોગોને આ યોજનામાં સામેલ કરવામાં આવેલ છે. પ્રોજેક્ટ બનાવવાથી લઈ ઓનલાઇન રજુ કરવા સુધી દરેક તબક્કે અરજીકર્તાને મદદ માટે સરકારશ્રી દ્વારા જિલ્લા કક્ષાએ ડ્રીસ્ટ્રીકટ રીસોર્સ પર્સન (ડી.આર.પી) રાખવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લા માટે આ યોજનાનો લાભ લેવા માટે શંકર પ્રધાન (ડી.આર.પી), મો.નં.૭૦૪૧૦- ૭૫૧૭૦ નો સંપર્ક કરવો. આ યોજના અંગેની વધુ માહિતી મેળવવા માટે જિલ્લા નોડલ અધિકારી તરીકે નાયબ બાગાયત નિયામકની કચેરી, પહેલો માળ, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, એચ.ડી.એફ.સી. બેંકની સામેની ગલીમાં, તિથલ રોડ, વલસાડ-૩૯૬૦૦૧ કચેરીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!