વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ, ધરણા ઉપર તા.૭ ડિસેમ્બર સુધી પ્રતિબંધ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં સુલેહ શાંતિનો ભંગ ના થાય તથા જિલ્લા કે તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ ગુજરાત (મુંબઈ) પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ-૩૭ની પેટા કલમ -૩થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના જિલ્લા સેવા સદન, જિલ્લાના દરેક તાલુકાઓના સેવા સદન અને અન્ય કચેરીઓની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવાસદનના પરિસરથી ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૦૭-૧૨-૨૦૨૩ સુધી અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ૪ કરતા વધુ માણસો ભેગા થવા કે કોઈ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, પ્રતિક દેખાવો, ભૂખ હડતાળ કે ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા તેમજ સરઘસ/ રેલી કાઢવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
આ હુકમ સ્મશાન યાત્રા કે લગ્નના વરઘોડાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલી ખાસ કિસ્સાની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિઓને, ફરજ પરના સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવા, ફરજ પરના ગૃહરક્ષક દળના વ્યક્તિઓને અને સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૩) મુજબ અથવા ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ અનુસાર સજાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટરથી ઉતરતા ના હોય તેવા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!