કરોડોના સોનાના સિક્કા મેળવવામાં સુરતનાં રહિશે રૂ. 50 લાખ ગુમાવ્યા

વલસાડ
સુરતના પુણા ગામે તથા મુંબઈમાં રહેતાં પટેલ પરિવારને વલસાડના રોલા ગામે ઊંબાડિયાનો સ્વાદ માણતી વખતે ભેટી ગયેલાં બે ઠગોએ રૂ. 50 લાખનો ચૂનો ચોપડ્યો છે. ઓરીજીનલ સોનાનાં સિક્કા બતાવી વિશ્વાસમાં લઇ રૂ. 8 કરોડના સોનાના સિક્કા રૂ. 3 કરોડમાં આપવાની લાલચ આપી રૂ. 50 લાખ લઇ ડુપ્લીકેટ સોનાના સિક્કા પધરાવી ફરાર થઇ જતાં ડુંગરી પોલીસ મથકે ત્રણ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે.

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત યથાર્થ ઠેરવતો બનાવ વલસાડમાં બન્યો છે. સુરત શહેરના પુણાગામ સીતાનગર બ્લોક નં. 143 માં ભરતભાઈ પોપટભાઈ પટેલ પોતાની પત્ની પુત્ર સાથે રહે છે. તા.13/12/ 2022 ના રોજ  ભરતભાઈ પટેલ તેમની પત્ની તેમનો પુત્ર પોતાની કાર નંબર એમએચ 05  / સીવી /6622  માં બેસી મુંબઈના મલાડ જવા માટે રવાના થયા હતા. બપોરે બે કલાકે વલસાડના રોલા ગામે હાઇવે પર આવેલા લીલાબેનના ઉબાડિયાનાં મંડપમાં બેસી ઉબાડિયાનો સ્વાદ માણી રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા 30 થી 35 વર્ષના વ્યક્તિઓ બાઈક પર આવી અમને જણાવ્યું કે તેમનાં માતાજીએ સોનાનો અને ચાંદીનો એક ગ્રામનો સિક્કો હાથમાં આપી આ સિક્કા સાચા છે કે ખોટા એવું કહેતા સાચા હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં કોઈક સોની પાસે ચેક કરાવી તમે જણાવશો એમ કહી મોબાઈલ નંબર લઈ લીધો હતો. અને બે દિવસ પછી તમને ફોન કરીશ તેવું જણાવ્યું હતું. રાહુલ નામના ઈસમે 17મી ડિસેમ્બરના રોજ ફોન કર્યો હતો. મારી પાસે બીજા પણ બે કિલો જેટલા સોનાના સિક્કા છે. એ પણ વેચવાના છે. ત્યારબાદ તેઓ ચીખલીમાં મળી સોનાના 10 જેટલા સિક્કા રાહુલે આપતા ચેક કરાવ્યા હતા. જે પણ ઓરીજીનલ હોઈ ભરતભાઈને વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ તા. 2 /1 /2023 ના રોજ રાહુલે ફોન કરી જણાવ્યું કે મારા પર 15 કિલો સોનાના સિક્કા છે. જેની કિંમત 3 કરોડ થાય જો તમે મને 1 કરોડ રૂપિયા આપશો તો ચાલશે. બાકીના સોનાના સિક્કા વેચી 2 કરોડ રૂપિયા મને આપજો. મારે એકી સાથે સોનાના સિક્કા વેચી દેવા છે એવું કહેતા ભરતભાઈએ રૂ. 50 લાખની ઓફર કરી બાકીના વેચીને આપવાની શરતે સોદો મંજૂર કર્યો હતો. તા. 3 /1/ 2023 ના રોજ ભરતભાઈ ચીખલી પહોંચી ગયા હતા અને રાહુલના હાથમાં રાખેલા થેલામાંથી 1-2 ઓરીજીનલ સોનાના સિક્કા આપી બાકીના 7 થી 8 કિલો સોનાના સિક્કા થેલામાં હોવાનું જણાવી સોદા મુજબ રૂ. 50 લાખની રકમ આપતાની સાથે જ રાહુલ ત્યાંથી ચાલી ગયો હતો. ભરતભાઈએ ચીખલીમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં ગાડી ઉભી રાખી પુત્ર સાથે સિક્કા ચેક કરતા ખોટા હોવાનું જાણતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. પરિણામે તેમણે રાહુલ તથા કથિત પરિવાર સહીત ત્રણ સામે ડુંગરી પોલીસ મથકમાં  છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!