ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર (રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત) અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર વલસાડ ખાતે “ત્રિ દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવેલા ૪૫૦ થી વધુ યોગ કોચોએ ભાગ લીધો. આ શિબિરનો ઉદ્દેશ્ય યોગ કોચને તાલીમ આપી તેઓની કાર્યક્ષમતા વધારી સમગ્ર ગુજરાતના ગામે ગામ સુધી યોગ વર્ગો ચાલુ કરાવી અને “યોગનો અમૃતકાળ” બનાવવાનો છે. આ રીતે, ગુજરાતનો એક પણ વ્યક્તિ યોગથી વંચિત ના રહી જાય તેમાં યોગ કોચોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
ત્રિ દિવસીય નિવાસી યોગ કોચ તાલિમ શિબિરમાં યોગ કોચોને યોગની સિદ્ધિઓ, યોગનું વિજ્ઞાન, યોગની સામાજિક ભૂમિકા, યોગની આરોગ્યવર્ધક અસર, યોગની આધ્યાત્મિક ઉન્નતિ, યોગ અંગેનું શાળા શિક્ષણ, યોગની વ્યવસાયિક સંભાવનાઓ વગેરે વિષયો પર અલગ અલગ યોગના નિષ્ણાંતો દ્વારા વ્યાપક જ્ઞાન આપવામાં આવ્યું. સાથે સાથે યોગમાં વિપુલ જ્ઞાન ધરાવતા ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢીયા એ પણ યોગ શિબિરમાં ઓનલાઈન જોડાઈ યોગ કોયોને અમુલ્ય જ્ઞાન આપ્યુ હતુ.
શિબિરમાં યોગ કોચોને યોગના વિવિધ આસન, પ્રાણાયામ, ધ્યાન, શુદ્ધિ ક્રિયાઓ, મુદ્રાઓ, બંધો, યોગ નિદ્રા, યોગ થેરાપી વગેરેની પ્રક્રિયાઓ શીખવામાં આવ્યા. ત્રિ દિવસીય નિવાસી યોગ કોચ તાલિમ શિબિરની સફળતાને લીધે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીરાપાલજી, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના યોગાધ્યક્ષ શ્રી આત્મર્પિત શ્રદ્ધાજી, નિષ્ણાંતો અને આશ્રમના સભ્યો દ્વારા યોગ કોચોને અભિનંદન કર્યું. શિબિરની સમાપ્તિએ યોગ કોચોને યોગનું જ્ઞાન, કૌશલ અને આત્મવિશ્વાસમાં વધારો થયો.