આને કહેવાય મેગ્નેટ મેન! વલસાડમાં જવેલર્સના શરીર પર ચલણી સિક્કા અને ચમચી ચોંટતા રહસ્ય

વલસાડ
વલસાડના જવેલર્સની દુકાનના વેપારીના શરીર પર ચલણી સિક્કા અને ચમચી ચોંટી જતી હોવાનું ધ્યાને આવતાં વલસાડ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વેપારી હાથ હલાવે તોપણ એકપણ સિક્કો, ચાવી કે ચમચી નીચે ન પડતાં આશ્ચર્ય સર્જાયું હતું.
વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સની દુકાનના સંચાલકે સવારે મહારાષ્ટ્રના નાસિકની ઘટના વાંચીને પોતાના શરીર ઉપર ચમચી અને સ્ટીલની વસ્તુઓ ચોંટે છે કે કેમ ચેક કરવા જતાં ચલણી સિક્કા અને સ્ટીલની ચમચી પણ હાથ ઉપર ચોંટી ગઈ હતી. પહેલા તો તેમણે પરસેવાને લઈને ઘટના બની હોય તેમ માની લીધું હતું. પરંતુ રૂમાલથી હાથ સાફ કર્યા બાદ ચેક કરતા ફરી ચલણી સિક્કા ચુંબક ઉપર લોખંડ ચોંટે તે રીતે ચોટી ગયા હતા.
વલસાડના મેગ્નેટ મૅન સંપતસિંગ રાજપુરોહિતે જણાવ્યું હતું કે વર્ષોથી ચુંબકીય શક્તિ શરીરમાં હશે તો આ પહેલા કોઈ વખત ચેક કર્યું ન હતું. પરંતુ જે થઈ રહ્યું છે તે સાચું છે. આજે અખબારમાં વાંચ્યા બાદ ચેક કરવા જતાં સિક્કા અને ચમચી વાસણો શરીર ઉપર ચુંબકની જેમ ચોંટી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.

મહોબતસિંગ રાજપૂતે કહ્યું હતું કે, સંપતસિંગ સાથે સવારે દુકાન ઉપર પેપર વાંચતા હતા, ત્યારે વાતવાતમાં સિક્કા શરીરે ચોંટે છે. તે ચેક કરવા જતાં મારા શરીરે એકપણ સિક્કો કે ચમચી ચોંટી ન હતી. જ્યારે સંપતસિંગના હાથ ઉપર છુટ્ટા સિક્કા માર્યા તે પણ ચુંબક ઉપર લોખંડ ચોટયું હોય તે રીતે ચોંટી જતા આશ્ચર્ય ફેલાયું હતું. સંપતસિંગને હાથ પણ હલાવી જોયો તોપણ એકપણ સિક્કો, ચાવી કે ચમચી પડી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાસિકના એક વ્યકિતના વાઈરલ વીડિયો બાદ દરેક જગ્યાએ લોકો પોતાના શરીરે સિક્કા ચોટે છે કે કેમ તે ચેક કરી રહ્યાં છે. વાત અજીબોગરીબ જેવી લાગે છે પણ આ વેપારી પણ પોતાની સાથે થયેલી આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!