વલસાડ
વલસાડનાં રોયલ ક્રુઇઝર ગ્રુપ દ્વારા આજરોજ વલસાડ શહેરમાં તિરંગા બાઇક રેલી યોજવામાં આવી હતી. બુલેટ પર નીકળેલી આ તિરંગા રેલીએ આકર્ષણ જમાવ્યું હતું. ગૃપ દ્વારા તિથલ દરિયાકિનારે પહોંચી દેશની આનબાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
વલસાડમાં ચાલતા બુલેટ બાઈકના રોયલ ક્રુઇઝર ગ્રુપ દ્વારા અવારનવાર જનજાગૃતિ માટેની તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ માટેની રાઇડ થતી રહે છે. વલસાડમાં યોજાતી મેરેથોનમાં બાયકર્સ દ્વારા પાયલોટિંગ પણ કરવામાં આવે છે. દેશ આખો આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે વલસાડના આરસીવી ગ્રુપે પણ આજે વહેલી સવારે તિરંગા બાઈક રાઈડનું આયોજન કર્યુ હતું. જે યાત્રા વલસાડના હાલર સ્થિત પાણી ટાંકી પાસેથી નીકળી નેશનલ હાઇવે નં. 48 અટકપારડી ચાર રસ્તા થઈને પરત આઝાદ ચોક અને આઝાદ ચોકથી તિથલ દરિયાકિનારે પહોંચી હતી. તિથલ દરિયા કિનારે ગ્રુપ દ્વારા તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કરાયું હતું. તેમજ દેશભક્તિઓના નારાઓ બોલાવી સમગ્ર માહોલ દેશભક્તિમય બનાવી દેવામાં આવ્યો હતો. દરેક રાઇડરોએ તિરંગાનો કેસરિયોની જેમ કેસરિયા કપડાં ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સંપૂર્ણપણે શિસ્ત જોવા મળ્યું હતું. તિરંગા યાત્રામાં જોડાયેલાં તમામે હેલ્મેટ પણ ફરજિયાત પહેરી ટ્રાફિકમાં શિસ્તનો મેસેજ પણ આપ્યો હતો.