સુપ્રિમ કોર્ટે સરકારને આપી સલાહ

હવે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો અને રાજનીતિના અપરાધીકરણને ઉખાડીને ફેંકી દેવા માટે સર્જરી કરો

નવી દિલ્હી : રાજકારણનું અપરાધીકરણ રોજેરોજ વધી રહ્યું છે તે વાતનો કોઇ ઇન્કાર નહીં કરી શકે. પણ ગુનાહિત પૃષ્ઠભૂમિના લોકો, જે રાજકીય પ્રણાલીના અપરાધીકરણમાં સંલિપ્ત છે તેમને કાયદો બનાવનારા બનવાની પરવાનગી ન આપવી જોઇએ. પણ પ્રશ્ન એ છે કે શું સુપ્રીમ કોર્ટ આમ કરવાનો આદેશ આપી શકે. જેનો જવાબ છે ના. સરકારે જ ઉંઘમાંથી જાગીને કાયદાઓમાં સુધારા કરીને એક મોટી સર્જરી કરવી પડશે, જેનાથી રાજકારણના અપરાધીકરણના કેન્સરને જડમૂળમાંથી કાઢી શકાય. જસ્ટીસ આર એફ નરીમાન અને બી આર ગવઇની બેંચે આ ટીપ્પણીઓ દાગી ઉમેદવારોનો પ્રચાર નહી કરવાના આરોપમાં રાજકીય પક્ષોને અવમાનનાના દોષિત ઠેરવવાનો ચૂકાદો આપતા કરી હતી.બેંચે કહ્યું કે, આ અદાલતે કેટલીય વાર વિધાયીકાને આહવાન કર્યું છે તે પરિસ્થિતિને સમજે અને આગળ આવીને જરૂરી સુધારાઓ લાવે જેથી ગુનાહિત રેકોર્ડ ધરાવનાર વ્યકિતને રાજકારણમાં ઘૂસતા રોકી શકાય. પણ અફસોસ કે આ બધી અપીલો એક બહેરાને આપેલી સલાહ સમાન સાબિત થઇ છે. રાજકીય પક્ષો ઘેરી ઉંઘમાંથી જાગવાની ના પાડી રહ્યા છે.બેંચે કહ્યું કે, આ બાબતે તાત્કાલિક ધોરણે કંઇક તો થવું જ જોઇએ તેવી અમારી ઇચ્છા છતાં અમારા હાથ બંધારણના કારણે બંધાયેલા છે. અમે વિધાયીકા માટેના સુરક્ષિત ક્ષેત્રમાં ઘૂસી નથી શકતા. અમે કાયદાના ઘડવૈયાઓના અંતરાત્માને ફકત અપીલ કરી શકીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ જલ્દી ઉંઘમાંથી જાગે અને સુધારા કરીને એક મોટી સર્જરી કરે જેનાથી રાજકારણના અપરાધીકરણની બુરાઇને જડમૂળમાંથી કાઢી શકાય.
કોર્ટે બિહારની ચૂંટણીમાં ગુનાહિત ઉમેદવારોનો હવાલો આપતા કહ્યું કે એડીઆરના રિપોર્ટ અનુસાર, પહેલા તબક્કામાં ૩૧ ટકા ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ હતો અને તેમાંથી ૨૩ ટકા પર ગંભીર ગુનાના કેસ ચાલી રહ્યા હતા. બીજા તબક્કામાં ૩૪ ટકા ઉમેદવારો દાગી હતા અને ૨૭ ટકા પર ગંભીર આરોપો હતા. તો અન્ય તબક્કાઓમાં પણ લગભગ આવી જ સ્થિતી હતી. બધા મળીને ૩૭૩૩ ઉમેદવારો ચૂંટણી લડયા હતા. જેમાંથી ૧૨૦૧ ઉમેદવારો દાગી હતી. સૌથી ભયંકર વાત એ છે કે જીતનારાઓમાં ૬૮ ટકા ઉમેદવારો ગુનાહિત રેકોર્ડ ધરાવતા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!