રાજ્ય સરકારે સ્વર્ણિમ યોજના અમલમાં મૂકી શહેરોના વધુ સુવ્યવસ્થિત વિકાસ માટે આયોજન કર્યું– મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ:નાણાંમંત્રીશ્રીના હસ્તે વાપી નગરપાલિકાના ૩૯.૩૧ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ–ખાતમુહૂર્ત

ગુજરાત એલર્ટ । વલસાડ
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ખાતેથી વાપી નગરપાલિકાના રૂ.૩૧.૮૨ કરોડના ૨૦ કામોનું લોકાર્પણ અને રૂ.૭.૪૯ કરોડના ૬ કામોનું ખાતમુહૂર્ત મળી કુલ રૂ.૩૯.૩૧ કરોડના વિકાસકાર્યોનું સાંસદ ડૉ. કે.સી.પટેલ અને પદ્મભૂષણ શ્રી રજુજુભાઈ શ્રોફની ગરિમામયી ઉપસ્થિતિમાં લોકાર્પણ–ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીશ્રીએ વર્ચ્યુઅલી તકતીઓનું અનાવરણ કરી વિવિધ વિકાસકાર્યોની વાપી વાસીઓને ભેટ આપી હતી.
લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપીના વિકાસની વાત કરીએ તો વાપી નગર પંચાયતથી શરૂ કરી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. દરેકે દરેક સમયે વાપીના વિકાસમાં પોતપોતાનો સહયોગ આપ્યો છે.
વડાપ્રધાનશ્રી વર્ષ ૨૦૦૭માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્વર્ણિમ યોજના અમલમાં મૂકી શહેરોના વધુ અને સુવ્યવસ્થિત વિકાસ માટે આયોજન કર્યું હતું. જેનો વાપીને પણ લાભ મળવાથી વાપીનો પણ અવિરત વિકાસ થયો છે.

આ ઓડિટોરીયમ માટે પણ પૈસાની ફાળવણી થયા બાદ જગ્યાનો પ્રશ્ન ઊભો થયો હતો ત્યારે રજુજુભાઈ શ્રોફ અને રોફેલ ટ્ર્સ્ટે વિનામુલ્યે જમીન આપી વાપીના વિકાસમાં પોતાની ભાગીદારી નોંધાવી છે જેમનો ખુબ ખુબ આભાર માનું છું. વાપીમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ પણ ખુબ જ ટૂંકા સમયમાં થવા જઈ રહ્યું છે. વાપી શહેરની પાણી અને ગટર વ્યવસ્થા પણ સુદ્દ્ઢ બની છે. વાપીનો જે ગતિથી વિકાસ થઈ રહ્યો છે તેને ધ્યાને લઈ રાજ્ય સરકારે હાલમાં બજેટમાં મહાનગરપાલિકાની ઘોષણા કરતા વાપીનો સૌથી સુંદર અને ચોક્કસ વિકાસ થશે એની મને ખાતરી છે.

વાપી નગરપાલિકાના લોકાર્પણ કાર્યોની વાત કરીએ તો, રૂ.૨૩.૬૦ કરોડના ખર્ચે કોમ્યુનિટી સેન્ટર, રૂ.૨.૦૧ કરોડના ખર્ચે રાશીવન, નવગ્રહ વન અને નક્ષત્રવન, રૂ.૨.૦૮ કરોડના ખર્ચે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની સાઈટ અપગ્રેડેશન, રૂ.૮૮ લાખના ખર્ચે રોડ બ્યુટીફિકેશન, રૂ.૬૧ લાખના ખર્ચે તૈયાર થયેલ બે આંગણવાડી, રૂ.૭૪ લાખના ખર્ચે એનિમલ ડેડબોડી ક્રિમેશન મશીન અને રૂ.૧.૯૦ કરોડના ખર્ચે નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ડેકોરેટિવ પોલ અને સ્ટ્રીટ લાઈટ લગાવવાના કામોની પ્રજાને ભેટ આપી હતી. જ્યારે રૂ.૨.૨૮ કરોડના ખર્ચે રોડ ડેવેલોપમેન્ટ, રૂ.૫૭ લાખના ખર્ચે કોમ્પ્રેસ કોંક્રીટ બ્લોક રોડ, રૂ.૫૩ લાખના ખર્ચે આરસીસી રોડ અને રૂ.૧.૭૮ કરોડના ખર્ચે મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરના એક્ષટેન્શન અને રીનોવેશન તેમજ રૂ.૨.૩૩ કરોડના ખર્ચે ગટર અને સ્ટ્રીટ લાઈટ સહિત રોડ વાઈડનીંગના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ ડૉ. કે.સી.પટેલ અને પદ્મભૂષણ શ્રી રજુજુભાઈ શ્રોફે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જ્યારે વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મીરા શાહે પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. નગરપાલિકા ચીફ ઓફિસર કોમલબેન ધનૈયાએ આભારવિધી કરી હતી.
આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી અભય શાહ, કારોબારી સમિતિ ચેરમેનશ્રી મિતેષ દેસાઈ, વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી પાલિકાના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!