ગુજરાત એલર્ટ । આહવા
ડાંગ જિલ્લામાં બીજા તબક્કાની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ના કાર્યક્રમનું આયોજન સૂપેરે ઘડી કાઢી, તેને વધુ લોકભોગ્ય બનાવવાની અપીલ ડાંગ કલેક્ટર મહેશ પટેલે કરી છે.
આગામી સમયમાં રાજ્યના ૯ જિલ્લાઓમાં યોજાઇ રહેલી બીજા તબક્કાની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના અંદાજીત ૩૮ ગ્રામ પંચાયત વિસ્તારમાં યોજવાનું સંભવિત આયોજન કરાયું છે. જે અંગે જિલ્લા અધિકારીઓને પોતાની ભૂમિકા સમજી લેવા, અને કાર્યક્રમને વધુ લોકભોગ્ય બનાવવા કલેક્ટર પટેલે સુક્ષ્મ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે ‘યાત્રા’ ના સ્થળે આયોજિત કાર્યક્રમો, ‘મેરી કહાની-મેરી જુબાની’ વિષયક લાભાર્થીઓના પ્રતિભાવો, યોજનાકિય લાભોનું વિતરણ, ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો વિગેરે બાબતે સબંધિત વિભાગોને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલે સંભવતઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકાની ૨૫ ગ્રામ પંચાયતો, સુબીરની-૩, અને વઘઇ તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતો મળી કુલ-૩૮ પંચાયતોમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ના કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું હોવાનું જણાવ્યુ હતું. આ અંગેનો રુટ પ્લાન સત્વરે સંબંધિતોને મોકલી આપવામાં આવશે, તેમ પણ તેમણે કહ્યું હતું.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબિયાર, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી-વ-નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ ખાંટ, નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો.