ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ ખેરગામ રોડનું કામ અટકાવનારા સામાજિક વનીકરણ વિભાગની વલસાડના ચણવઇ ખાતે આવેલી કચેરીએ જઈ આજે સરપંચો સહિતના આગેવાનોએ ભજન કીર્તન કરી આવેદનપત્ર આપી જલ્દીથી જલ્દી ફોરેસ્ટ ક્લિયરન્સ આપવા માંગ કરી હતી. સાથે જ રસ્તાનું કામ અટકાવશો તો લોકો સાથે સંઘર્ષમાં ઉતરવું પડશે એમ સ્પષ્ટ જણાવી દીધું હતું.
વલસાડ ખેરગામ રોડનું રૂ. 17 કરોડથી વધુના ખર્ચે પહોળો કરવાનું અને નવીનીકરણનું કામ સામાજિક વનીકરણ વિભાગે અટકાવતા વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચોએ અલ્લાબોલ કરી દીધું છે જેમાં નેશનલ હાઇવે નંબર 48 ચક્કાજામ કરવાની ચિંતા તંત્ર દોડતું થઈ ગયું છે દરમિયાન આજરોજ વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચો સહિતના આગેવાનો અને સામાન્ય નાગરિકો ગુંદલાવ ચાર રસ્તા ખાતે એકત્ર થયા હતા. જે બાદ ગુંદલાવ ખાતે પ્રતીક રૂપે ભજન કીર્તન કરી સામાજિક વનીકરણ વિભાગની ચણવઇ ખાતે આવેલી નાયબ વનસંરક્ષકની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભજન કીર્તન કરી રસ્તાનું કામ અટકાવનારા સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરી હતી.
આગેવાનોએ ડીસીએફ યદુ ભારદ્વાજને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આપે એક વખત આ માર્ગની મુલાકાત લઈ જાતનીરિક્ષણ કર્યુ હોત તો આ કામ અટકાવાયું ન હોત. કારણ કે અત્યારે આ રોડની બંને બાજુએ ખોદવામાં આવેલા ખાડામાં કોઈ પડી જાય તો જીવ ગુમાવી શકે છે. રસ્તા પર તોડી નાખવામાં આવેલા પુલો ન બનાવાય તો ચોમાસા દરમિયાન આ રસ્તો જ બંધ થઈ જાય એમ છે. આપની કચેરી દ્વારા સામાન્ય જનતાની જાનમાલની કોઈપણ પરવા કર્યા વિના ફક્ત અને ફક્ત કાયદાની આડાશ લઈને ચોમાસા પૂર્વે જ રોડનું કામ અટકાવી દઈ લોકોની મુશ્કેલીમાં અતિશય વધારો કર્યો છે. આગામી સમયમાં વધુ વિકરાળ સમસ્યાનું સર્જન થાય એમ છે. જેથી લોકોની તકલીફોને ધ્યાનમાં રાખી ત્વરિત ધોરણે ફોરેસ્ટ ક્લિયરન્સની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી વાજબી માંગ છે.
કાયદાની આંટીઘૂંટી લઈને પ્રજાને હેરાન કરાઈ તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ: સરપંચ સ્નેહલ પટેલ
ખજૂરડી ગામનાં સરપંચ સ્નેહલ પટેલે જણાવ્યું હતુ કે વૃક્ષોની ચિંતા અમને પણ છે. પર્યાવરણનું જતન થવું જ જોઈએ. પરંતુ પર્યાવરણની આડાશ લઈને લોકોની તકલીફોમાં વધારો કરવો એ કોઈ પણ સંજોગોમાં વાજબી નથી. આ રોડ પહોળો થાય ત્યારબાદ એની બંને તરફ અમે સરપંચો વૃક્ષો રોપવા પણ તૈયાર છે. અને એનું જતન થાય એવા પ્રયત્નો પણ કરીશું. અધિકારીઓને સેવા કરવા માટે સરકારે નિમણૂક કરી છે. પ્રજાની તકલીફો વધારવા માટે નહીં. અધિકારીઓ દ્વારા કાયદાની આંટીઘૂંટી લઈને સામાન્ય જનતાને હેરાન પરેશાન કરાઈ રહી છે. એ કોઈ પણ સંજોગોમાં ચલાવાશે નહિ.
રસ્તો ન બને તો કાયદો હાથમાં લેતા પણ અચકાઇશું નહીં: શિરીષ પટેલ
ફણસવાડા ગામના માજી સરપંચના પતિ શિરીષ પટેલે જણાવ્યું હતું કે એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં અડચણરૂપ હજારો ફળાઉ ઝાડો કાપી નાખવામાં આવ્યા ત્યારે કાયદો ક્યાં ગયો હતો અને આજે જાહેર રસ્તા પરથી હજારો લોકો અવર-જવર કરે ત્યારે કાયદો બતાવવામાં આવી રહ્યો છે. વન વિભાગના આ બેવડા માપદંડ સામે વધુ એક વખત અમે દોહરાવીએ છીએ કે હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે. જેથી રસ્તો ન બને તો કાયદો હાથમાં લેતા પણ અમે અચકાઈશું નહીં. અને તેનાથી જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેની સંપૂર્ણ જવાબદારી રસ્તાનું કામ અટકાવનારા તંત્રની રહેશે.