ગુજરાત એલર્ટ l આહવા
સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
જેના ભાગરૂપે વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હલપતિના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિમજૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરાયું હતું.
સાથે સાથે આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે મંત્રીના હસ્તે મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવાયું હતું.
ડાંગ જિલ્લામાં આદિમજૂથના લોકોને આરોગ્યની તમામ સુવિધાઓ મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ યુનિટ વાન શરૂ કરવામા આવી છે. જેમાં બીપી ઈન્સ્ટ્રુમેન્ટ (મેન્યુઅલ) ડીજીટલ બીપી ઈન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર, માઈક્રોસ્કોપ, તમામ પ્રકારની દવાઓ, અને ફર્સ્ટ એડની સુવિધા, લેબોરેટ્રી દ્વારા લોહીની તપાસ જેમાં હિમોગ્લોબિન, આરબીએસ, મેલેરિયા ટેસ્ટ, ગર્ભાવસ્થા પરિક્ષણ, પેશાબની નિયમિત તપાસ, અને પેશાબની માઇક્રોસ્કોપી, આરબીસી, અને ડબલ્યુબીસી ગણતરી, પ્લેટલેટ ગણતરી કરી આપવામા આવશે.
આદિમજુથના લોકોને આ તમામ સુવિધાઓનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના કુલ ૧૭ ગામો (વઘઇના ૧૨, સુબિરના ૩, અને આહવાના ૨) માં આદિમજૂથના (કોટવાળીયા, કોલઘા, અને કાથોડી) ૬૯૬ કુટુંબો (૨૮૪૫ જનસંખ્યા) સરકારી દફતરે નોંધાયેલા છે. જેમને આ અભિયાન અંતર્ગત જુદી જુદી ૧૧ જેટલી પાયકીય જરૂરિયાતો (રસ્તા, પાણી, વીજળી, આવાસ, શિક્ષણ, આરોગ્ય, પોષણ, છાત્રાલય, કૌશલ્ય વિકાસ, આજીવિકા, અને નેટવર્ક કનેક્ટિવિટી) સહિત આનુષંગિક સેવાઓથી સંતૃપ્ત કરીને, તેમનું સશક્તિકરણ કરવાની કવાયત રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે.
આ પ્રંસગે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, ઉપ પ્રમુખ વનિતાબેન ભોયે, ડાંગ જિલ્લા પંચાયતના સદસ્ય મંગળભાઈ ગાવિત, વઘઈ તાલુકા પંચાયતના સદસ્ય સંકેતભાઈ બંગાળ, વઘઈના સરપંચ સિન્ધુબેન ભોયે, ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, મહામંત્રી રાજુભાઈ ગામિત, હરિરામભાઈ સાવંત, દિનેશભાઇ ભોયે સહિતના પદાધિકારીઓ ઉપરાંત ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરી, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામિત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.