ડાંગના રાજવીઓનુ યથોચિત સન્માન સાથે આહવા ખાતે ચાર દિવસિય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ

ગુજરાત એલર્ટ | આહવા
અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારે ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યું હતું.
આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા સુથારે રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા, ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ આ વેળા ઉમેર્યુ હતુ.
પોતાના પ્રાસંગિક વક્તવ્યમા ડાંગ દરબારનો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજવીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરી હતી.સુથારે ડાંગ દરબારના મેળામાં પ્રશાસને ઉપલબ્ધ કરાવેલી પાયાકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો.

ખૂબ જ સાદગીપૂર્ણ રહેણીકરણી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને, ડાંગ દરબારના આ ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ડાંગના માજી રાજવીઓનુ યથોચિત સન્માન કરાયુ હતુ. પ્રત્યુત્તરમા ડાંગના રાજવીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષબાણ અર્પણ કરી, સન્માન કર્યુ હતુ. રાજવીઓને સ્વર્ણમુદ્રા સહિત પરંપરાગત પાનસોપારી, શાલ, અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદે સૌને ડાંગ દરબારમા આવકારી, હોળી-ધૂળેટીના તહેવારોની શુભકામના પાઠવી હતી. ડાંગ દરબારના રંગારંગ ઉદ્દઘાટન સમારોહમા ઉપસ્થિત રહેલા જનમેદનીને અહી ડાંગની સાંસ્કૃતિક ઝલક રજુ કરતા ડાંગી નૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા.

લોકસભાની ચૂંટણી આચાર સંહિતાને અનુલક્ષીને સાદગીપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા, નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. શણગારેલી બગીઓમા નિકળેલી રાજવીઓની સવારી દરમિયાન, તેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યુ હતુ.
ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનવા માટે અગ્રણી નાગરીકો, વ્યકિત વિશેષ, મહાનુભાવો, સ્થાનિક પ્રજાજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા કલાકારો, મીડિયાકર્મીઓ, અને ડાંગના દરબારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આહવાના રંગ ઉપવન ખાતે આયોજિત ડાંગ દરબારના ઉદ્દઘાટન સમારોહના કાર્યક્રમની આભારવિધિ પ્રાંત અધિકારી સાગર મોવાલિયાએ આટોપી હતી. ઉદ્દઘોષક તરીકે બીજુબાલા પટેલ, અને વિજયભાઈ ખાંભુએ સેવા આપી હતી.
ઉલ્લેખનિય છે કે, ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ વેળા માજી રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ પણ અર્પણ કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!