વાપી
ગુજરાતમાં લવજેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વલસાડ જિલ્લામનાં વાપીમાં પ્રથમ કેસ નોંધાયો છે. વાપીની યુવતીને ભગાડી જનાર પરિણીત વિધર્મી યુવાનને પોલીસ એમ.પી.નાં ઇન્દોરથી ઊંચકી લાવી વિધર્મી યુવાનની ચુંગાલમાંથી યુવતીને મુકત કરાવી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ તા.૧૦/૦૬/ર૦૨૧ ના રોજ ૧૯ વર્ષીય ટીના (નામ બદલ્યું છે) વાપી ટાઉન વિસ્તારમાંથી ગુમ થતા તેની માતા દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ગુમ જાણવા જોગ ફરીયાદ આપવામાં આવી હતી. જે બનાવની તપાસ દરમ્યાન ટીના જે દિવસે ગુમ થઈ હતી તે જ દિવસે તેની બાજુમાં રહેતો એક વિધર્મી યુવક પણ ગુમ થયો હોવાનું જણાઈ આવ્યું હતું. બંન્ને મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોર ખાતે હોવાની બાતમી આધારે એક ટીમ તાત્કાલીક ઈન્દોર ખાતે મોકલી આપવામાં આવી હતી. જે ટીમ દ્વારા સ્થાનિક પોલીસની મદદ મેળવી ઈન્દોર ખાતેથી વિધર્મી યુવક તથા ભોગ બનનાર યુવતીને શોધી વાપી પરત લાવવામાં આવ્યાં હતા. વાપી પરત આવ્યા બાદ યુવતી દ્વારા પોતાની સાથે બનેલા બનાવ અંગે પોલીસ સમક્ષ ફરીયાદ આપવામાં આવી હતી. જે ફરીયાદ મુજબ આરોપી ઈમરાન વશી અંસારી, રહે. વાપીએ ટીનાને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવા માટે છેલ્લા ઘણા સમયથી દબાણ કરતો હતો. તેમજ યુવતી ન માને તો યુવતીના ભાઈને મારી નાંખશે તેવી ધમકી આપતો હતો. વલસાડ જીલ્લા પોલીસ દ્વારા સખત મહેનતના અંતે ટીનાને વિધર્મી યુવકના સકંજામાંથી હેમખેમ બચાવી તેના પરીવારને સોંપવામાં આવી છે. ઇમરાન વિરૂધ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ -૨૦૨૧ કલમ -૪ તથા આઈ.પી. સી . કલમ- ૩૬૬, ૩૭૬(૨)એન, ૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે ગુનાની વધુ તપાસ વાપી ડીવાયએસપી વી.એમ. જાડેજાએ હાથ ધરી છે.
ટીનાને અજમેર અને ઇન્દોર લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો.
આરોપી પોતે પરીણીત હોવા છતાં ટીનાને ડરાવી ધમકાવી બળજબરીથી ધર્મપરીવર્તન કરાવી લગ્ન કરવાના ઈરાદે પહેલા અજમેર અને ત્યારબાદ ઈન્દોર લઈ ગયો હતો. જ્યાં આરોપી દ્વારા ટીના સાથે બળજબરી પૂર્વક લગ્ન કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ આરોપીએ ટીનાની ઈચ્છા વિરૂધ્ય તેણી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
પોલીસનું ટીમ વર્ક ફરી એક વખત સફળ થયું.
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક વી. એમ. જાડેજા દ્વારા બનાવને ગંભીરતાથી લઈ ગુમ યુવતીની તપાસ માટે એલ.સી.બી, એસ.ઓ.જી. તથા વાપી ટાઉન પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસની ગતિ તેજ કરવામાં આવી હતી. જે દરમ્યાન સી.સી.ટી.વી. કુટેજ તથા ટેકનીકલ એનાલીસીસ અને બાતમી આધારે ટીનાને તેની નજીક રહેતો વિધર્મી યુવક જ ભગાડી ગયો હોવાનું બહાર આવ્યું હતું.