વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ: હેતુફેર કરાવ્યાં વિના વલસાડ જિલ્લાની સરકારી કચેરી ફ્લેટમાં ચાલે છે

ગુજરાત એલર્ટ | વલસાડ
સામાન્ય માણસ જો ઘરમાં દુકાન ચલાવે તો તેને તંત્ર ફાંસીએ ચઢાવવા મંડી પડે છે. પરંતુ જ્યારે સરકારી તંત્રની કચેરી જ રહેણાંકના ફ્લેટમાં ચાલતી હોય ત્યારે કેમ તંત્ર પગલાં લેતું નથી. વલસાડમાં ખુદ કાર્યપાલક ઇજનેરની કચેરી ફ્લેટમાં ચલાવી નિયમોનો ભંગ કરાઇ રહ્યો છે.
રેસીડેન્સીયલ એટલે કે રહેણાંક માટે બનાવેલી મિલકતોનો વાણિજ્ય હેતુ માટે ઉપયોગ કરી શકાતો નથી. વાણિજ્ય કિસ્સામાં ઉપયોગ કરાય તેવા કિસ્સામાં જિલ્લા પંચાયત દ્વારા શરતભંગની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વલસાડમાં તો જિલ્લા કક્ષાની આખે આખી કચેરી જ ફ્લેટમાં ચાલે છે. વલસાડ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડની કાર્યપાલક ઇજનેરની કચેરી વલસાડના અબ્રામા સાંઈ લીલામોલની સામે આવેલા “રાધા” નામના એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં. 201,202,204 અને 205 માં ચાલે છે. ફ્લેટ નંબર 201 અને 202 ના મુંબઈ બોરીવલીમાં રહેતા ફલેટના માલિક પ્રીતિબેને રાઉતે રૂ. 14,500 ના માસિક ભાડાથી ફ્લેટ વિભાગને ભાડે આપ્યો છે. જ્યારે ફ્લેટ નં. 204 અને 205 મુંબઈ ગોકુલ હાઇટ્સમાં રહેતા રૂપેશ શાહે રૂ. 8,000 ના માસિક ભાડાથી ભાડે રહેવા માટે આપ્યા છે. પરંતુ આ ચારે ચાર ફ્લેટોમાં કોઈ રહેતું નથી. અને પાણી પુરવઠા વિભાગની મુખ્ય ઓફિસ ચલાવવામાં આવે છે. આ ફ્લેટના માલિકોએ ભાડા કરાર પણ કર્યા છે. અને તેમાં રહેણાંક માટેના ફ્લેટ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે જેની પાસે આખા જિલ્લાને પાણી પહોંચાડવાની જવાબદારી છે એવા જિલ્લા કક્ષાના પાણી પુરવઠા બોર્ડની ઓફિસ જ ગેરકાયદે એપાર્ટમેન્ટમાં ચલાવાતી હોય તો પછી કહેવું કોને? તંત્ર રેસીડેન્સીયલ મિલકતનો કોમર્શિયલ ઉપયોગ થતો હોય તેવા કિસ્સામાં શરતભંગની કાર્યવાહી કરવા સતત પ્રયાસો કરતું હોય છે. ત્યારે સરકારી કચેરીઓ જ નિયમોનો ભંગ કરતી હોઈ ત્યારે તેની સામે કેમ કાર્યવાહી કરાતી નથી એવા સવાલો ઉઠી રહ્યાં છે.

ઘરવપરાશ માટેનાં વીજપ્રવાહનો વાણિજ્યવપરાશ થકી કરાતી વીજચોરી સામે ડીજીવિસીએલની તપાસ જરૂરી
આ ફ્લેટોમાં ઘરવપરાશ માટે વીજ કનેક્શન પણ મેળવાયા છે. અને રહેણાંકના વીજ કનેક્શન મેળવી તેનો વાણિજ્ય વપરાશ કરાઈ રહ્યો છે. સામાન્ય રીતે રહેણાંકના વીજ કનેક્શનમાં વીજદર નીચો જ્યારે વાણિજ્ય વપરાશના વીજ કનેક્શનમાં વીજદર ઉંચો હોય છે. ત્યારે ઉંચા દરનો વીજપ્રવાહ વપરાશ કરી પાણી પુરવઠા ઓફિસ નીચા વીજદરનું બિલ ભરી રહી છે. જે બાબતે દક્ષિણ ગુજરાત કંપની લિમિટેડના અધિકારીઓએ ચકાસણી કરી અત્યાર સુધી કરાયેલી વીજચોરીની ગણતરી માંડી પાણી પુરવઠા વિભાગ અથવા જવાબદાર વ્યક્તિને દંડ ફટકારવો જરૂરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!