જાલના:કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા રેલવેને ૩૬,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન
થયું છે. આ સમયગાળામાં રેલવેને ખરી આવક ગુડ્સ ટ્રેનને કારણે થઇ છે, એવી માહિતી કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ
રવિવારે આપી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન પ્રોજેકટ મુંબઈ-નાગપુર એકસપ્રેસ-વેની સમાંતર હશે, જે હાલમાં નિર્માણ હેઠળ છે.
જાલના રેલવે સ્ટેશન ખાતે અન્ડરબ્રિજના શિલાન્યાસ કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા. દાનવેએ જણાવ્યું હતું કે ‘પેસેન્જર ટ્રેન હંમેશા ખોટમાં જ દોડાવવામાં આવે છે. જો ટિકિટના ભાડામાં વધારો કરવામાં આવે તો પ્રવાસીઓને તેનો ફટકો પડે છે. કોરોના મહામારી દરમિયાન રેલવેને ૩૬,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ફકત ગુડ્સ ટ્રેનને કારણે મહેસૂસ નિર્માણ થાય છે. કોરોના મહામારી દરમિયાન ગુડ્સ ટ્રેનોએ માલસામાનને લાવવા લઇ જવામાં અને લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન અંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેકટ મુંબઈ-નાગપુર એકસપ્રેસ-વે પર શરૂ કરવામાં આવશે, કારણ કે તે લોકો માટે આવશ્યક છે. રેલવેએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટ પણ હાથ ધર્યો હોવાની માહિતી તેમણે આપી હતી. નોંધનીય છે કે આ પ્રોજેકટ નવી મુંબઈને દિલ્હી સાથે જોડશે. નાંદેડ અને મનમાડ સ્ટેશન વચ્ચે પણ વધારાના પાટા નાખવાની ખાતરી તેમણે આપી હતી.