BAPS સ્વામિનારાયણ મંદિર તિથલનો રજત જયંતિ મહોત્સવનો સમાપન સમારોહ નાણામંત્રી કનુભાઇ દેસાઈની હાજરીમાં ઉજવાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર તીથલના રજત જયંતી મહોત્સવની શરૂઆત 15 ડિસેમ્બરે થઈ હતી અને જોતજોતામાં 11 દિવસ નગરના આ દિવ્ય વાતાવરણમાં દર્શનાર્થીઓની સાથે ક્યાં પસાર થઈ ગયા એનો કોઈને જ ખ્યાલ ના રહ્યો. છેલ્લા એક વર્ષથી આ રજત જયંતિ મહોત્સવની જયનાદ દરેકના મનમાં અંકિત થઈ ગઈ હતી.

વિવિધ આયોજનો દ્વારા રજત જયંતી મહોત્સવના સંદેશને બી.એ.પી.એસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ સમયે સમયે આ રજત જયંતી મહોત્સવ માટે આવશ્યક અને મહત્વપૂર્ણ સૂચનો તેમજ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. તિથલ મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ તમામ સંતો, હરિભક્તો અને ભાવિકોએ આ રજત જયંતી મહોત્સવની સેવામાં લાગી ગયા હતા.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે 2022 માં ઉજવાયો હતો. એ જ પ્રેરણાનો ઉત્સવ તિથલ સ્વામિનારાયણ મંદિરની રજત જયંતિ પ્રસંગે અહીં ઉજવવાના વિચાર સાથે સૌ થનગની રહ્યા હતા. 22 એકરની ભૂમિ ઉપર 4500 સ્વયંસેવકોના અથાગ પુરુષાર્થથી માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં આ નગર સૌની નજર સામે ખડું થઈ ગયું હતું. 15 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલનારા આ નગરની અંદર બે લાખથી વધારે દર્શનાર્થીઓએ જીવન ઘડતરની પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત કરી છે. ૧૧ દિવસમાં ૨,૦૦,૦૦૦ થી વધુ દર્શનાર્થીઓ,વલસાડ અને આસપાસના અલગ અલગ 5 જિલ્લાના 13 તાલુકા મળી 209 શાળાના 25000 વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ શાળાના સંચાલકોએ સ્વામિનારાયણ નગરની મુલાકાત લે શિક્ષણ સાથે સંસ્કારની પ્રેરણાઓ પ્રાપ્ત કરી હતી. તેમજ બ્લડ ડોનેશન, ૩૦૦૦ થી વધુ દર્દીઓની મુફ્ત સારવાર, ૨૦૦ થી વધુ ફિઝીઓ બેલ્ટનું વિતરણ, ૪૫૦ થી વધુ આયુષ્માન કાર્ડની કાર્યવાહી થઈ હતી.

વ્યસન મુક્તિ, સંસ્કૃતિ સંવર્ધન , સ્વચ્છતા અને પ્રકૃતિ વંદના, કૌટુંબિક મૂલ્યો, મંદિરથી સમાજને પ્રદાન, માતા પિતા વડીલો ને આદર્શ શીખવાડતો “વિલેજ ઓફ બુઝો” અને પુરુષાર્થ અને પ્રાર્થનાના સમન્વયથી પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપતો “સી ઓફ સુવર્ણા” દરેક પ્રદર્શન ખંડમાં દર્શનાર્થીઓને અચૂકપણે એક જીવન ઉપયોગી સંદેશ પ્રાપ્ત થયો હતો. આ સ્વામિનારાયણ નગરએ દરેક દર્શનાથીને જીવનનું અમૂલ્ય સંભારણું અને પવિત્ર પ્રેરણાઓ આપી છે. જેમાં હજારો દર્શનાર્થીઓ વ્યસન મુક્ત થયા હતા. કેટલાય દર્શનાર્થીઓએ ઘરસભાની પ્રેરણાઓ લીધી હતી તેમજ સ્વચ્છતા અને પર્યાવરણ જતનના રાષ્ટ્રીય મુલ્યો શીખ્યા હતા. નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સુધી દરેકે આ નગરને મન ભરીને માણ્યું છે. જે તમામ વલસાડવાસીઓ તેમજ આસપાસના દર્શનાર્થીઓ હંમેશા આ સ્મૃતિઓને વાગોળતા રહેશે.

મુખ્ય સભા સાંજે 7:00 કલાકે શરૂ થઈ હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે શાંતિધામ બંધુ ત્રિપુટીના પૂજ્ય જીનચંદ્રવિજયજી મહારાજ, ગુજરાત સરકારના ઉર્જા ,પેટ્રોકેમિકલ્સ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના ટ્રસ્ટીશ્રીઓ મહેશભાઈ ખોખાણી અને વિજય રૂપાણી, અધિક કલેકટર શ્રીમતી અનસુયાબેન ઝા, શ્રી મહેન્દ્ર ચૌધરી, શ્રી સતિષભાઈ પટેલ, શ્રી કેતનભાઇ વાઢુ,, શ્રી મનીષભાઈ દેસાઈ, શ્રી મિતેશભાઈ દેસાઈ, શ્રી દિવ્યેશભાઈ પાંડે, શ્રી હર્ષદભાઈ આહીર વગેરે મહાનુભાવો પધાર્યા હતા એમનું હારતોરા કરીએ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

પૂજ્ય વિવેકસાગર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના આ મંદિરના સંસ્મરણો સ્મૃતિપટ પર તાજા કર્યા હતા. કનુભાઈ દેસાઈએ પણ બીએપીએસ સંસ્થાના સેવા કાર્યો તેમજ આ નગરના તમામ આયોજનને પ્રશંસનીય ગણાવી હતી.

આ સમગ્ર આયોજન માટે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર તિથલના કોઠારી પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામી, કાર્યકરો તેમજ સ્વયંસેવકોને બિરદાવ્યા હતા. શાંતિ ધામના પૂજ્ય જિનચંદ્ર વિજયજીએ સંસ્કૃતિના જતન માટે મંદિરની વિશેષતા તેમજ આ મંદિરોને શાંતિ અને સંવાદિતતાના પરમધામ બતાવ્યા હતા.

સદગુરુ સંત પૂજ્ય સ્વયંમપ્રકાશદાસ સ્વામીએ આ પ્રસંગે સૌને રૂડા આશીર્વાદ પાથવ્યા હતા. ત્યારબાદ અંતમાં તિથલના કોઠારી પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામીએ આ નગરમાં જેમણે પણ સહયોગ આપ્યો છે એ સર્વનો આભાર માન્યો હતો. અંતમાં હજારો દીવડાથી સમૂહ આરતી કરી નૃત્યાંજલિ અને આતશબાજીથી આ મુખ્ય સભાનું સમાપન થયું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!