ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં આજથી તા. ૨૧ નવેમ્બરથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉજવણી તા. ૪ ડિસેમ્બર સુધી ચાલશે. આ પખવાડીયાનો મુખ્ય ઉદેશ્ય પુરૂષોને કુટંબ નિયોજનમાં ભાગીદારી વધારવા તેમજ પુરૂષ ગર્ભ નિરોધક પધ્ધતિઓ જેવી કે નસબંધી અને અન્ય પધ્ધતિનો ઉપયોગ વધારવા પ્રેરિત કરવાનો છે. મહત્વનું છે કે, પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણી બે તબક્કામાં કરવામાં આવશે.
આ અંતર્ગત પહેલા તબક્કામાં તા. ૨૧ થી ૨૭ નવેમ્બર સુધી ૨૦૨૪ દરમિયાન લાભાર્થીઓનું કાઉન્સેલિંગ, સર્જનની ઉપલબ્ધતા, કુટુંબ નિયોજન સેવાઓની ઉપલબ્ધતા, પ્રચાર- પ્રસાર, પુરૂષોનું પરામર્શ અને મોબીલાઈઝેશન કરવામાં આવશે. વધુમાં વધુ પુરૂષો નસબંધી કરાવે તે માટે તમામ આરોગ્યની સંસ્થાઓ દ્વારા પુરૂષ નસબંધી અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં તા. ૨૮ નવેમ્બરથી તા. ૪ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન પુરૂષ નસબંધી માટે પ્રોત્સાહિત કરેલા પુરૂષોને જિલ્લા હોસ્પિટલ, સબ જિલ્લા હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, શહેરી તથા ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પુરૂષ નસબંધી કેમ્પ યોજીને નસબંધીની સેવાઓ આપવામાં આવશે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે જણાવ્યું કે, નસબંધી કરાવનાર પુરૂષોને સરકાર તરફથી રૂ. ૨ હજાર અને પુરૂષ નસબંધી માટે સહમત કરાવનારને સરકાર તરફથી રૂ. ૩૦૦ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.