ગુજરાત એલર્ટ | વલસાડ
છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની સતત બીજી ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડ થી સુરત જતી ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટના બનતાં જ મુસાફરોને સુરક્ષિત બહાર મોકલી દેવામાં આવ્યા હતાં. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ અંગેની જાણકારી આપી હતી.
વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. વલસાડના છીપવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. આગ લાગવાની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં.ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવામાં 2 કલાક ઉપરાંતનો સમય નીકળી ગયો હતો. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. ટ્રેનમાંથી મુસાફરોને રેલવેના અધિકારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હોવાથી મોટી જાનહાની ટળી હતી.
થોડા દિવસ પહેલા જ દાહોદ આણંદ 9350 મેમુ ટ્રેનના એન્જિનમાં જેકોટ રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેનના એન્જિનમાં લાગેલી આગની આગ બે બોગીમાં ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. જોકે, સદનસીબે છેલ્લા ડબ્બામાં આગ લાગવાના કારણે બાકીના ડબ્બાઓનો આબાદ બચાવ થયો હતો અને ટ્રેનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.