ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડનાં અતુલ નજીકથી વહેતી પાર નદીનાં જુના પુલ પરથી મૂળ સોમનાથ જિલ્લાનાં વાપીમાં પ્રોજેક્ટ કરતાં 27 વર્ષીય વલસાડનાં યુવાન બિલ્ડરે લગભગ રૂ. 80 લાખની લકઝરીયસ કાર નદીમાં કુદાવી આપઘાત કરી લેતા સમગ્ર બિલ્ડર આલમમાં દુઃખ સાથે આઘાતની લાગણી પ્રસરી ગઈ છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ સોમનાથ જિલ્લાનાં અને હાલ વલસાડનાં કૈલાસ રોડ પર વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતાં 27 વર્ષીય સાગર રાઘવભાઈ ગુજ્જર (આહિર) વાપીમાં બિલ્ડર છે. વાપીમાં તેમણે સફળ પ્રોજેક્ટ કર્યા છે. દરમિયાન શનિવારે સાંજે તેઓ જીપ ગ્રાન્ડ કાર (નં. જીજે 15 સીએન 1011) લઈને વલસાડના અતુલ નજીકથી વહેતી પાર નદી પાસે જૂનાં પુલ પાસે પહોંચ્યા હતાં. આ પુલ બંધ હાલતમાં હોવાથી કિનારા પર બેરીકેટ લગાવેલા હતા. તેમ છતાં આ બિલ્ડરે બેરીકેટ તોડી અને કારને નદીના જુના પુલ પર દોડાવી હતી અને ત્યારબાદ કાર સાથે નદીમાં ખાબક્યો હતો.
આ બનાવ વખતે નદી કિનારે કેટલાક લોકો પણ હતા. તેઓ બૂમાબૂમ કરતા નદી કિનારાના ચંદ્રપુર ગામના તરવૈયાઓ તાત્કાલિક નદી પર પહોંચ્યા હતા અને હોડીની મદદથી નદીમાં ખાબકેલી કાર સુધી પહોંચ્યા હતા. આ ઉપરાંત યુવકને બચાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ યુવક કારમાં ફસાઈ ગયો હોવાથી તરવૈયાઓએ તેને બહાર કાઢવા ભારે જહેમત જ ઉઠાવવી પડી હતી અને કમનસીબે ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.
યુવાન બિલ્ડરે ગાડી ભગાવી હતી કે ભૂલથી ગાડી જુના ભૂલ ઉપરથી નદીમાં પડી હતી તે અંગે અનેક શંકા પ્રવર્તી રહે છે. તેમના પરિચિતોના જણાવ્યા મુજબ સાગર વેલ સેટલ્ડ હતો અને ખૂબ જ ઓછી ઉંમરે બિલ્ડરના વ્યવસાયમાં સફળતા હાંસલ કરી હતી. ત્યારે મોંઘીડાટ કાર સાથે નદીમાં ઝંપલાવવાની બાબત માનવામાં આવે તેવી નથી. આ ઘટનાને કારણે વલસાડ જિલ્લાના બિલ્ડરોએ ભારે આઘાત અનુભવ્યો હતો.
સાગરના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા.
નદીમાં ડૂબી જઈ મોતને ભેટનારા સાગરના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. કોઈ પારિવારિક ઝઘડાનું પણ કારણ ન હતું. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં પણ ખૂબ ઓછી ઉંમરમાં સફળતા મેળવી પરિવારમાં સૌનો માનીતો બન્યો હતો. ત્યારે અચાનક બનેલા આ બનાવે અનેક લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે.
સાગરનું મોટું મિત્રવર્તુળ છતાં એકલો જ ગોવા ગયો હતો.
સાગરનો મોટું મિત્ર વર્તુળ હતું. બોલવામાં હસમુખા સ્વભાવના સાગરના લગ્ન તાજા જ હતા, છતાં તાજેતરમાં તે પત્નિ કે મિત્રો વિના એકલો જ ગોવા ગયો હતો. થોડા દિવસ પહેલા જ તે ગોવાથી પરત ફર્યો હતો. ત્યારબાદ પણ મનમાં કંઈક ચાલી રહ્યું હોય એવી શંકા કોઈને થવા દીધી ન હતી. ત્યારે આ ઘટનાએ પરિવારને ભારે અવઢવની સ્થિતિમાં મૂકી દીધા છે.
કારના ભારે શોખીન સાગરે કાર સાથે અંતિમ શ્વાસ લીધા
સાગરને કારનો ખૂબ શોખ હતો. છેલ્લા એક બે વર્ષમાં તેણે અલગ અલગ નવીનકોર ત્રણ જેટલી કાર ખરીદી હતી. અને સોશિયલ મીડિયા ઉપર પણ હંમેશા કાર સાથેના ફોટા મુકતો હતો. કાર પ્રત્યે તેને ઘણો લગાવ હોવાનું તેના પરિચિતો દ્વારા જાણવા મળ્યું હતું. ગઈકાલે સાગરે નદીમાં ઝંપલાવી કાર સાથે અંતિમ શ્વાસ લીધા હતા.