ગુજરાત એલર્ટ । વલસાડ
પારડી તાલુકાના ખડકીમાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતની આઝાદીના અમૃત કાળમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓ અંગે છેવાડાના માનવી સુધી જાગૃતિ કેળવાય અને ઘર આંગણે વિવિધ યોજનાકીય લાભો મળી રહે તે માટે માહિતીસભર આધુનિક રથ સાથે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પારડી તાલુકાના ખડકી ગામમાં આવી પહોંચતા મંત્રીશ્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોને સંબોધીને જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન સામાન્ય માણસોના વિકાસ માટે જાતિ, ભાષા અને પ્રાંતવાદને દૂર કરી વિકાસની રાજનીતિ અપનાવીને સામાન્ય નાગરિકોની સુખાકારી કેવી રીતે વધે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા. જેમાં શાળા પ્રવેશોત્સવ અને બાળકોના સો ટકા નામાંકન, કન્યા કેળવણી,આદિવાસીઓ માટે વનબંધુ યોજના, ખેડૂતો માટે કૃષિ મહોત્સવ, માછીમારો માટે સાગરખેડૂ યોજના વાયબ્રન્ટ ગુજરાત, ચોવીસ કલાક વીજળી દ્વારા ગુજરાતનો દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો. દેશના લોકોએ તેમને ૨૦૧૪ માં વડાપ્રધાન બનાવ્યા પછી ગુજરાતમાં જે રીતે દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો તે જ રીતે દેશને પણ દરેક ક્ષેત્રમાં વિકાસના પંથે લઈ જઈ રહ્યા છે. મંત્રીશ્રીએ ગ્રામજનોને જણાવ્યું હતુ કે ,તમારા ગામમાં મોદી સરકારની ગેરંટી વાળો રથ આવી પહોંચ્યો છે. જેના દ્વારા જે પણ ગરીબ અને વંચિત હોય તેને સરકારની યોજનાના લાભ ઘર આંગણે મળશે. માં આરોગ્ય કાર્ડની શરૂઆત ગુજરાતે નરેન્દ્ર ભાઈ મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કરી હતી તેવી જ રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના લોકોના આરોગ્યની ચિંતા કરી વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન કાર્ડ યોજના લાગુ કરી છે. આજે રૂ. ૧૦ લાખ સુધીની સારવાર માટે કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી. આયુષ્યમાન કાર્ડ આજે સંજીવની બુટી સમાન છે. જેથી જે લોકોના પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી છે તે લોકો આજે જ અહી રથ આવ્યો છે તો તુરંત આયુષ્યમાન કાર્ડ કઢાવી લે.
આ પ્રસંગે ખડકી ગામની ગ્રામસખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતુ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેનાથી લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત થયા હતા. આધુનિક ખેતી માટે ગામના ખેડૂતોએ ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી નેનો યુરિયા છંટકાવનું ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં ગ્રામજનોના આરોગ્યની તપાસણી, સ્થળ પર યોજનાઓનો લાભ, માહિતી અને ફોર્મ ભરવા સહિતની કામગીરીને પણ આવરી લેવામાં આવી હતી. લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કલ્યાણકારી યોજનાઓની માહિતી અને વડાપ્રધાનશ્રીનો પ્રેરક સંદેશ નિહાળ્યો હતો. આ પ્રસંગે વિકસિત ભારતના નિર્માણની મંત્રીશ્રી અને મહાનુભાવો સાથે ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ હેઠળ યોજનાકીય લાભાર્થીઓએ પોતાના અનુભવો રજુ કર્યા હતા.
આ પ્રસંગે પારડીના પ્રાંત અધિકારી અંકિત ગોહિલ,વિકસીત ભારત સંકલ્પ યાત્રાના નોડલ ઓફિસર અને સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર શ્વેતા પટેલ, પારડી મામલતદાર આર. આર. ચૌધરી, ખડકી ગામના સરપંચ શંકરભાઈ પટેલ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.