ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ સીટી પોલીસના એએસઆઈ રાહુલ રાઠવાએ ઓવર કોન્ફિડન્સમાં નોકરીમાંથી સસ્પેન્ડ થવું પડ્યું છે. વલસાડના દાદિયા ફળિયામાં તેના પર હુમલો થયા બાદ વેર વાળવા માટે હોસ્પિટલ બીછાનેથી પોલીસ સ્ટેશનમાં આવી આરોપીઓને માર મારવાના બનાવમાં વલસાડ જિલ્લા પોલીસવડાએ રાહુલ રાઠવા અને પીએસઓ જયશ્રીબેન પટેલને સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.
વલસાડમાં એએસઆઈ રાહુલ રાઠવા અને જીઆરડી જવાન સંદીપ પટેલને દાદીયા ફળિયાંમાં માર મારવાના બનાવ ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. આ બનાવમાં રાહુલ રાઠવા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. તેણે વલસાડ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીઓ દીપેશ મનુ પટેલ, ચિરાગ પટેલ અને ધવલ પટેલને પકડી લીધા હતા.
ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા આરોપીના વકીલે એએસઆઇ રાહુલ રાઠવા રાત્રિ દરમિયાન હોસ્પિટલ બિછાનેથી પોલીસ સ્ટેશનમાં આવી ત્રણેય આરોપીઓને બેફામ માર માર્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં કોર્ટે પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજ પણ માંગ્યા હતા. બનાવ અંગે તપાસ કરાતા તપાસમાં તથ્ય જણાતા વલસાડ જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલાએ એએસઆઇ રાહુલ રાઠવા અને જે તે સમયે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર પીએસઓ (પોલીસ સ્ટેશન ઓફિસર) હેડ કોન્સ્ટેબલ જયશ્રીબેન પટેલને બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. રાત્રી દરમિયાન નબીરાઓના હુમલા બાદ ઓવર કોન્ફિડન્સમાં વેર વાળવા જતા રાહુલ રાઠવાએ નોકરીમાંથી સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. જ્યારે મહિલા પીએસઓ કાયદાની આંટીઘૂંટીનો શિકાર બન્યાં છે.