ગુજરાત એલર્ટ । નવસારી
શ્રી નાયકા બંધુ બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડની નવમી વાર્ષિક સાધારણ સભા શ્રી રામજી મંદિર, નવસારી ખાતે રવિવારે યોજાઈ હતી. આ સભામાં નવસારી ,વલસાડ, આહવા ડાંગ, સુરત તથા તાપી જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં સભાસદોએ હાજરી આપી હતી. સભાની શરૂઆત આયુષી તથા સુહાનીની પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી સભાને ખુલ્લી મૂકવામાં આવી હતી. મંડળીના પ્રમુખ પ્રા. ડૉ. હિતેશભાઈ પટેલએ મહેમાનોનું પુષ્પ અને શબ્દોથી સ્વાગત કરી સૌને આવકાર આપ્યો હતો. એમણે સમગ્ર વર્ષ દરમિયાનની મંડળીની કામગીરીની માહિતી રજૂ કરી હતી. સભાસદ બનવા માટે ધિરાણ અને પેશગી મેળવવા માટેની કાર્યવાહી, બચત ફાળો તથા હપ્તા ભરવાની ઓનલાઈન વ્યવસ્થા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. નાયકા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ તથા ઉપપ્રમુખ ઈશ્વરભાઈએ ટ્રસ્ટનો ભૂતકાળ અને વર્તમાન વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. પારડી તાલુકાના બાલુભાઈએ મંડળીની કામગીરીને બિરદાવી સરાહના કરી હતી.
એજન્ડા પરના કામોમાં ડિરેક્ટર જિજ્ઞેશભાઈ દ્વારા ૨૦૨૨-૨૩ નાં વર્ષના હિસાબો વાંચનમાં લઈ સભાની મંજુરી મેળવી હતી અને ડિરેક્ટરની ડિવિડન્ડ અંગેની ભલામણનો સ્વીકાર કરી ચૂકવણી કરવામાં આવી હતી. ત્યારબાદ સભાસદ બાળકો કે જેમણે શૈક્ષણિક સિધ્ધિ મેળવી હતી તેમને ટ્રોફી તથા ઈનામ, પુસ્તક અને ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.એસ.સી થી એમ.બી. બી.એસ.સુધીના ૧૪ જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. જે સભાસદોએ બઢતી મેળવી એવા ૫ સભાસદોને પણ પ્રોત્સાહિત કરી ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંડળીની સુંદર કામગીરીમાં સેવા આપનાર માનદમંત્રી શંકરભાઈ મંગાભાઈ નાયકાને સ્મૃતિ ભેટ આપી વિશેષ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત દરેક બાળકો ડૉ. વિશ્વા , ડૉ. ફાલ્ગુની, કોમલકુમારી, આયુષી, પ્રિયલ, રિષા, કસ્તી, ઋત્વી, સુહાની, કશિશ અને ચૈતાલીએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. બઢતી મેળવનાર યશેષભાઈ, જિજ્ઞેશભાઈ, શૈલેષભાઈ તથા ભીખુભાઈએ પણ પ્રતિભાવ રજૂ કરી મંડળીનો આભાર માન્યો હતો.
વાર્ષિક સાધારણ સભામાં સફળ આયોજન માટે અક્ષય, રાકેશભાઈ , દેવાંગ, પ્રફુલભાઈ, રાજુભાઈ, શાનુભાઈ તથા સર્વે ડિરેક્ટરોએ ખૂબ જ જહેમત ઊઠાવી હતી. દર રવિવારે સેવા આપનાર સંદીપભાઈ,દિનેશભાઈ, રમણભાઈ તથા ગીતાબેનનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિરેક્ટર રાજુભાઈ અને ગીતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.