વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તરફથી મીની ઓક્સિજન પ્લાન્ટની નવાજેશ થઇ: ખેરગામ રેફરલ-પ્રજાને મોટી રાહત
ખેરગામ
શ્રી વલ્લભભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી ગોસ્વામી મહોદયશ્રીની પ્રેરણા ક્રૃપાથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જે વિદેશી વૈષ્ણવ ભક્તો દ્વારા સંચાલિત છે તેના દ્વારા ૩૧ની મેની સાંજે પાંચ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા હી સંગઠનના સૂત્રને ચરિતાર્થ કરતા સાત વર્ષના પંતપ્રધાનશાસનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા દ્વારા રૂપિયા ૧૮૦ લાખના ખર્ચે ૯ સ્થળે મીની ઓક્સિજન પ્લાન્ટનું વાસ્તવિક લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના પ્રેરણાસ્ત્રોત વૈષ્ણવાચાર્ય બન્યા હતા.
વડોદરા જિલ્લાના દેસર, જરોદ, આણંદના વલ્લભ વિદ્યાનગર, ભાદરણ સાથે જામનગર, જુનાગઢ, ભાવનગર સુરત અને નવસારી જિલ્લાના ખેરગામમાં એક એક મળી રૂ. વીસેક લાખનો મીની ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અને ધારાસભ્ય નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત ખેરગામ કોવિડ કેર સમિતિના સભ્યો મનોજ સોની, સતિષ પટેલ, વિજય પટેલ, પ્રશાંત પટેલ, મુસ્તાનસિર વ્હોરા, શૈલેશ ટેલર, ધર્મેશ ભરૂચા, પૂર્વેશ ખાંડાવાલા વિગેરેએ પ્લાન્ટનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. જેઓએ બે દિ’ પહેલા પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. જેના ૪૮ કલાકમાં જ રૂપિયા વીસેક લાખનો મીની ઓક્સિજન પ્લાન્ટ મળી જતાં ખેરગામ તાલુકાની જનતામાં આભારની લાગણી સહ આનંદ વ્યાપ્યો હતો. થોડા દિવસ પહેલા કોવિડ કેર સમિતિ, જિ. પં. પ્રમુખ ભીખુભાઈ, ધારાસભ્ય નરેશભાઇ અને સાંસદ પાટીલને મળ્યા હતા ત્યારે સી.આર.પાટીલે રૂપિયા 50 હજાર ઓક્સિજન સિલિન્ડર માટે આપ્યા હતા. જે બહુ ઉપયોગી સાબિત થયા હતા.