દાહોદ
દાહોદના એક ગામમાં સામે આવેલાં વીડિયોએ ભારે ચકચાર મચાવી દીધી છે. જેમાં એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. લોકોએ એકઠા થઈને યુવતીને માર મારી તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ કરાવી હતી. યુવતીએ પહેરેલા કપડાં પણ ફાડી નાખ્યા હતા. આવી હરકત બાદ યુવતી શરીર ઢાંકવા માટે આસપાસની મહિલાઓ તરફ દોડી હતી અને તેમની પાસેથી દુપટ્ટો લઈને શરીર ઢાંક્યું હતું. પરંતુ લોકોએ એ કપડાં પણ ખેંચી લીધા હતા.
મળતી માહિતી પ્રમાણે દાહોદના ધાનપુરના ખજૂરી ગામ ખાતે યુવતી પર અત્યાચારનો વીડિયો સામે આવ્યો છે. પીડિત યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાના મામલે તેની સાથે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર ધ્રુણા જન્માવે તેવો છે.
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો ગામની યુવતી પર અત્યાચાર કરી રહ્યા છે. આ દરમિયાન એક યુવક યુવતીના ખભા પર બેસી જાય છે. યુવતીને આવી જ હાલતમાં ગામમાં પરેડ કરાવવામાં આવી હતી. યુવકનો ભાર સહન ન કરી શકતા યુવતી અનેક વખત નીચે બેસી જાય છે. જોકે, યુવકો તેણીને ફરીથી ઊભા થઈને પરેડ કરવાની ફરજ પાડે છે.
લોકોને આક્ષેપ છે કે યુવતીને કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ છે. આ ઉપરાંત યુવતી આ યુવક સાથે ભાગી ગઈ હતી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રેમ કરવાની તાલિબાની સજા મામલે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો મામલે પોલીસે ૧૯ લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી ૬ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.