સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં ૧૩ દિવસમાં ૫૨ ગામના ૧૨૯૪૭ લોકો યાત્રામાં જોડાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.૧૫ નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી સમગ્ર દેશમાં નીકળેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં રોજે રોજ ભ્રમણ કરી રહી છે. આ ૧૩ દિવસ દરમિયાન બંને તાલુકાના કુલ ૧૬૧ ગ્રામ પંચાયત પૈકી ૫૨ ગામમાં યાત્રાના માધ્યમથી સરકાર જાતે લોકોના દ્વારે પહોંચી હોય એવો માહોલ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૧૨૯૪૭ ગ્રામજનોએ આ યાત્રામાં ભાગ લઈ સરકારની વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી. જ્યારે ૩૪૮ લાભાર્થીઓએ તો જાહેર મંચ પરથી સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાના લાભથી પોતાના જીવન ધોરણમાં આવેલા સુખદ બદલાવનું વર્ણન કરી કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

પ્રજાના કલ્યાણ માટે, પ્રજાની સુખાકારી માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આ કલ્યાણકારી યોજનાઓનો રાજ્યના છેવાડાના લોકો અને ખાસ કરીને નબળા વર્ગના લોકો વધુમાં વધુ લાભ લે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે. જનમાનસ સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા લોકોને જાગૃત કરવાના શુભ આશય સાથે નીકળેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ આદિજાતિ બહુલ વસતિ ધરાવતા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ પ્રદેશના ગામડાઓ ખુંદી રહી છે. આ યાત્રા દરમિયાન ગામે ગામ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધરમપુરની ૬૩ અને કપરાડાની ૯૮ ગ્રામ પંચાયતોને આવરી લઈ બે રથ દ્વારા જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના દ્વારા યોજનાઓના મળવા પાત્ર લાભો લાભાર્થીના ગામ સુધી પહોંચી રૂબરૂ આપવામાં આવી રહ્યા છે. પ્રચાર –પ્રસાર દ્વારા સર્વે યોજનાઓની માહિતી તમામ લોકો સુધી પહોંચી રહી છે. યાત્રા દરમિયાન નવા લાભાર્થીઓની રોજે રોજ નોંધણી થઈ રહી છે. કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવી રહી છે. જે મુજબ ધરમપુર અને કપરાડાના ૫૨ ગામોમાં તા. ૧૫ થી તા. ૨૭ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં ૭૮૪૦ લોકોની તપાસ કરવામાં આવી હતી. ૬૩૬૯ લોકોની ટીબીની તપાસ અને ૨૧૫૯ લોકોની સિકલ સેલની તપાસ કરવામાં આવી હતી. ૫૨ ગામડામાં સ્પેસિફીક હેલ્થ કેમ્પેઈન ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ૧૦૯૦ નવા લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમ દરમિયાન ૬૯ લોકોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ યાત્રામાં લોકોને મહત્વની ગણાતી ૧૭ યોજના પૈકી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૨૮૪ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાયું હતું. ૩૮ ગામમાં જલ જીવન મિશન યોજનાની ૧૦૦ ટકા, ૨૯ ગામમાં ૧૦૦ ટકા જન ધન બેંક એકાઉન્ટ, ૩૨ ગામમાં ૧૦૦ ટકા પીએમ કિસાન અને ૫૨ ગામમાં જમીન રેકર્ડનું ૧૦૦ ટકા ડિજિટલાઈઝેશન માત્ર ૧૩ દિવસ દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીન અને માનવીના સ્વાસ્થ્યને થતુ નુકસાન સામે જાગૃતિ ફેલાવવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ૫૨ ગામમાં ધરતી કહે પુકાર કે… નુક્કડ નાટક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જુની પરંપરાગત ખેતીની સાથે નવી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બને તે માટે ડ્રોનનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ગામની મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે ૮૦ પ્રતિભાને એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવી હતી. જ્યારે ૧૨૯૪૭ લોકોએ વિકસિત ભારતના સંકલ્પ અંગે શપથ લીધા હતા. આમ, ૧૩ દિવસ દરમિયાન આ યાત્રાએ પ્રજામાં દેશ ભક્તિની ભાવના તો ઉજાગર કરી જ છે સાથે સાથે ગામે ગામ પહોંચી લોકોને સરકારની યોજનાઓના લાભ પહોંચતા કરી આ યાત્રાને સાર્થક કરી બતાવી છે. પોતાના ગામમાં રથ આવી પહોંચતા ગ્રામજનો પણ ઉમેળકાભેર સ્વાગત કરી રહ્યા છે.

ધરમપુરના બિલપુડીના ગ્રામજનોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૩૦ મીએ વર્ચ્યુઅલી સંબોધન કરશે
વિકસિત ભારત સંકલ્પ યાત્રા લોકો સુધી પહોંચી રહી છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૩૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ ધરમપુર તાલુકાના બીલપુડી ગામમાં પહોંચનારી આ યાત્રા દરમિયાન ગ્રામજનોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. જેથી પ્રજામાં પણ ઉત્સાહ બેવડાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ માટે તૈયારી હાથ ધરી દેવાય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!