સ્વચ્છતા હી સેવા : એક તારીખ , એક કલાક, વલસાડ જિલ્લામાં તા. ૧ ઓકટો.એ મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ કરાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
તમામ ગામડાઓમાં ‘‘ગાર્બેજ ફ્રી ઈન્ડિયા’ ની થીમ સાથે ગામો કચરામુકત બને તે માટે સવારે ૧૦ કલાકે કામગીરી થશે, આ ભગીરથ કાર્યમાં રાજ્યના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સભ્ય ડો. કે.સી.પટેલ, અને સર્વ ધારાસભ્યોશ્રીઓ પણ જોડાશે
‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧ ઓકટોબર ૨૦૨૩ના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન- પ્રતિનિધિઓની આગેવાની હેઠળ “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
વલસાડ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકામાં “સ્વચ્છતા હી સેવાના” વિવિધ આયોજનોના ભાગરૂપે તમામ ગામડાઓમાં ગાર્બેજ ફ્રી ઈન્ડિયા ની થીમ સાથે ગામો કચરામુકત બને તે માટે ૧ લી ઓકટોબરે સવારે ૧૦.૦૦ કલાકે મહાશ્રમદાન કાર્યક્ર્મ યોજવામાં આવશે. “એક તારીખ, એક કલાક” અન્વયે મહાશ્રમ દાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરાશે.
સ્વચ્છતા અભિયાનના હેતુથી શ્રમદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાન ગતિવિધિનું આયોજન કરાશે. સંપૂર્ણ શ્રમદાન “સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી” અને “ઝીરો વેસ્ટ” ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું રહેશે. એકત્રિત થયેલા કચરાના યોગ્ય નિકાલની જગ્યાએ લઈ જવા માટે નોડલ ઓફિસરો તેમજ કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં રાજ્યના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સભ્ય ડો. કે.સી.પટેલ, અને સર્વ ધારાસભ્યોશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ જિલ્લા/તાલુકાના ઉચ્ચ અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ સ્વચ્છતા માટેના ઉમદા મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં તમામ વલસાડવાસીઓ સહભાગી બને તેવો જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!