ગુજરાત એલર્ટ । વલસાડ
ભારત સરકાર દ્વારા તા. ૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવા આહવાન કરાયું હતું. આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવતો હોવાથી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને શહેરી દ્વારા તા. ૧૫ સપ્ટેમ્બરથી તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ સુધી સંયુક્ત રીતે સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે હવે તા. ૧૬ ડિસેમ્બર સુધી અભિયાન હાથ ધરાશે. જેમાં દર રવિવારે અલગ અલગ થીમ આધારિત સફાઈ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે, જે મુજબ, તમામ શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં પાલિકાની સીમાથી ૨ કિમીની ત્રિજ્યામાં તમામ પ્રવેશ માર્ગોની એક વાર ઝુંબેશ તરીકે અને ત્યારબાદ દર અઠવાડીયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાની રહેશે. ડોર ટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા કચરા એકત્રિકરણની પ્રવૃત્તિ સઘન બનાવવી, કચરાના વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થા સુચારૂ બનાવવાની પ્રકિયા શરૂ કરવી, ગ્રામ્ય તથા શહેરના તમામ વિસ્તારો જેવા કે, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વિસ્તાર, મંદિર, બાગ બગીચા, ટુરિસ્ટ પ્લેસ, રોડ સહિતની જાહેર જગ્યા પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવી તેમજ કોઈ પણ સ્થાન પર કચરો ન દેખાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. ઘરથી લઈને માર્કેટ સુધી ઉત્પન્ન થતા કચરાનું તે જ દિવસે ડમ્પ સાઈટ ઉપર યોગ્ય નિકાલ કરવો, ગ્રામ્ય વિસ્તારમા ઉકરડાના આખરી નિકાલ માટે ગોબરધનની વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં કચરાના ઢગલા ન દેખાય તે માટેનું આયોજન કરવુ, સંબંધિત વિભાગ દ્વારા સફાઈ કામગીરીનું અસરકારક મોનીટરીંગ કરી સફાઈ કામગીરીના સ્થળોની મુલાકાત લેવાની રહેશે.
શહેરની સ્વચ્છતા બાબતે પાલિકાના ચીફ ઓફિસરો દૈનિક ધોરણે સવારમાં વિઝિટ લેશે. જ્યારે ગ્રામ્ય સ્વચ્છતા માટે જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત, સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓ દ્વારા નિયમિત વિઝિટ લેવામાં આવશે. વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં સફાઈ અભિયાન હવે વધુ વેગવંતુ બનશે.