ગુજરાત એલર્ટ । વલસાડ
‘કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત’ ની થીમ પર સ્વચ્છતા હી સેવા- વર્ષ ૨૦૨૩ની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામે સ્વચ્છતાની દ્રષ્ટીએ અન્ય ગામડાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ બારોલિયા ગામ હવે કચરામાંથી કંચન બનશે.
ધરમપુર તાલુકાનું બારોલિયા ગામ કુલ ૯૪૫ ઘર અને ૪૦૮૮ વસ્તી ધરાવે છે. આ નાનકડા ગામમાં સ્વચ્છતાનું જન આંદોલન ઘરે ઘરે જોવા મળે છે. પોતાનું ગામ સ્વચ્છ રહે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા તો સરકારની વિવિધ ગ્રાંટ હેઠળ સાધનો ખરીદવામાં આવે જ છે પરંતુ ગામના લોકોમાં પણ સફાઈની સ્વયં શિસ્ત જોવા મળે છે. જે અંગે ગામના તલાટી હર્ષાબેન પટેલ જણાવે છે કે, ગામમાં સ્વચ્છતા જાળવવા માટે ઘન કચરાનું, ગ્રે વોટરનું અને મળ કાદવનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. અમારૂ ગામ સ્વચ્છ અને આરોગ્યપ્રદ રહે તે માટે સંપૂર્ણ સ્વચ્છતાના આંદોલનમાં તમામ ગ્રામજનો જોડાયા છે. ૧૫માં નાણા પંચની જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧ વર્ષ અગાઉ રૂ. ૬ લાખ ૬૬ હજારના ખર્ચે ઘરે ઘરેથી કચરો ઉપાડવા માટે ટેમ્પો ખરીદવામાં આવ્યો. જેના દ્વારા મહિનામાં તા. ૧ અને ૨ તેમજ તા. ૧૫ અને ૧૬ ના રોજ ‘ડોર ટુ ડોર’ કચરો ઉપાડવામાં આવે છે. ત્યાર બાદ કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે એક વર્ષ અગાઉ સ્વચ્છ ભારત મિશનની રૂ. ૨,૪૩,૧૩૨ માંથી સેગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યો છે. જેમાં બે ટાંકી બનાવાઈ છે. આ ટાંકીમાં તમામ કચરો ખાલી કરી તેમાંથી પ્લાસ્ટીક, કાચ સહિતનો કચરો છુટો પાડવામાં આવે છે. ત્યારબાદ અતુલ કંપની સાથે એમઓયુ થયુ હોવાથી તેમને કચરો આપવામાં આવશે. જેમાંથી પંચાયતને કમાણી પણ થશે. છેલ્લા ચાર મહિનાથી આ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે જેના થકી અત્યાર સુધીમાં અંદાજે એક ટન કચરો શેડમાં એકત્ર કરાયો છે. હવે આ કચરો કંચન બનશે.
ધરમપુર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ટેકનિકલ આસિસ્ટન્ટ મિતુલભાઈ આહિરે જણાવ્યું કે, ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન હેઠળ ગામની આંગણવાડી, શાળા, મંદિર અને ચોક સહિતના જાહેર સ્થળો પર સફાઈ કાર્યક્રમો હાથ ધરાયા હતા. બારોલિયા ગામમાં જે રીતે સેગ્રીગેશન શેડ બનાવાયો છે, તે રીતે ધરમપુર તાલુકાના ૨૨ ગામોમાં રૂ. ૧.૫૦ લાખથી ૧.૮૦ લાખ સુધીના નવા શેડનું કામ ચાલી રહ્યું છે.
આમ, બારોલિયા ગામ સ્વચ્છતા માટે જરૂરી તમામ સાધન સામગ્રીથી સજ્જ થઈ છે અને ગ્રામજનોએ પોતાનું ગામ સ્વચ્છ અને તંદુરસ્ત રહે તે માટે જાગૃતિ કેળવી ‘‘સ્વચ્છતા હી સેવા’’ના મહા આંદોલનમાં જોડાય સ્વચ્છ ગામ તરીકેની મિશાલ પુરી પાડી છે. કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે રૂ. ૨.૪૩ લાખનો સેગ્રીગેશન શેડ બનાવાયો. માત્ર ચાર જ મહિનામાં ગામમાંથી એક ટન કચરો એકઠો કરાયો.
નિઃશૂલ્ક કચરાપેટી વિતરણથી ગામ સ્વચ્છ બન્યું અને બાકી વેરાની વસૂલાત પણ થઈ
બારોલિયા ગ્રામ પંચાયતના સભ્ય અને અગ્રણી લક્ષ્મણભાઈ ખિરારીએ કહ્યુ કે, ગામને સ્વચ્છ રાખવા માટે વર્ષ દરમિયાન વારે તહેવારે સફાઈ અભિયાન હાથ ધરાઈ છે. મનરેગા યોજના હેઠળ રોજગારી મળી રહે તે માટે પણ ગામમાં સફાઈ થાય છે. ગ્રામજનો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરે અને બાકી વેરાની વસૂલાત પણ થઈ શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા વિના મૂલ્યે ઘરે ઘરે એક હજાર કચરાપેટી આપવામાં આવી છે. આ કચરા પેટીનો લાભ મેળવવા માટે જે લોકોનો વેરો બાકી હતો, તે લોકો પણ વેરો ભરી ગયા જેથી ગામમાં સ્વચ્છતા જળવાઈ અને વેરાની વસૂલાત પણ થઈ શકી.