ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લા પચાયત હસ્તક આવતાં સુબીર તાલુકાનાં કીરલી ગ્રામ પચાયતનાં સરપંચ ભાનુબેન બુધણભાઈ ગાગોડા અને તલાટીકમમંત્રીની રહેમનજર હેઠળ કાંકડવિહિર ગામે પેવર બ્લોકનાં રસ્તા બનાવવાની કામગીરીમાં બાળ મજૂરો પાસે કામગીરી કરાવતા વિવાદ થયો છે. આઠ-દશ વર્ષના નાના ભુલકા પાસેથી રસ્તા પર પેવરબ્લોક નખાવાઈ રહ્યા હતા.
ગ્રામ પંચાયત દ્વારા કરાવવાના કામમાં જ બાળમજૂરોને કામગીરીમાં જોતરી દેવામાં આવ્યા હોય ત્યારે અન્ય લોકો તો બાળમજૂરોને કામે રાખે જ ને તેવા સવાલો ઉઠ્યા છે. સરકારી કામોમાં પણ કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડીને કારણે સરકારી વિભાગો પણ વિવાદમાં આવે છે. પરંતુ કટકી ટકાવારીને કારણે સરકારી કચેરીઓના જવાબદાર વ્યક્તિઓ પણ આંખ આડા કાન કરે છે. આ કિસ્સામાં પેવર બ્લોક માથા પર લઈને જતા બાળકોના પુરાવાઓ સામે આવ્યા છે. ત્યારે બાળમજુર કાયદા હેઠળ બાળમજૂર અધિકારીએ જવાબદાર કોન્ટ્રાક્ટર કે પંચાયતના અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી બની છે. આ ગ્રામ પચાયતનાં સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુધ્ધ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી કેવા પગલાં ભરે તે અગામી દિવસોમાં માલુમ પડશે.