ગુજરાત એલર્ટ । વલસાડ
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અતુલ વિદ્યાલયે આ વર્ષે એક અનોખું પગલું ભર્યું છે. જેમાં તેમણે તેમના ધોરણ 11 and 12 ના કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને વેકેશન દરમિયાન વાસ્તવિક જીવનમાં થતા વ્યાવસાયિક કાર્યોની જાણકારી માટે તેમને વલસાડની વિવિધ કંપનીઓમાં ઇન્ટર્નશીપ માટે મોકલ્યા હતા. જેમાં વલસાડની કંપની ઇન્ફીનીઝો સ્ટુડિયોઝ સહિતની કેટલીક કંપનીઓએ તેમને ટ્રેનિંગ આપી હતી.
વલસાડની ઇન્ફીનીઝો સ્ટુડિયોઝ કંપનીમાં અતુલ વિદ્યાલયના 22 વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશિપ લઇ કંપનીની કામગીરી જોઇ હતી. જેમાં કંપનીમાં થતા માર્કેટીંગ કેમ્પેઇન, ડિજીટલ કેમ્પેઇન, ડિઝાઇનિંગ, વેબસાઇટ ડેવલપમેન્ટ અને વિદ્યાર્થીઓને ફિલ્મ મેઇકિંગ લાઇનની સાથે ડબિંગ અને એડિટીંગ વગેરેની વિસ્તૃત જાણકારી અપાઇ હતી. કંપનીએ તેમને મુંબઇની ટોચની ગણાતી કંપની જ્યાં બ્રહ્માસ્ત્ર, મૈદાન, ફાઇટર જેવા બોલીવુડ અને મારવેલ્સ એવેન્જર્સ, સુપરવુમન અને અવતાર જેવી હોલિવુડની ફિલ્મો જેવું VFX નું કામ કરનાર મુંબઇની રીડિફાઇન સ્ટુડિયોની મુલાકાત પણ કરાવી હતી. જ્યાં તેમણે વાસ્તવિક જીવનમાં કંપનીમાં કઇ રીતે ફિલ્મોનું શુટિંગ, VFX, એનિમેશન અને એડિટીંગના કાર્યો થાય તેનો અનુભવ લીધો હતો. તેમજ તેમમે બીફોર અને આફ્ટર શુટના અનોખા અનુભવ પણ માણ્યા હતા.
આ સંદર્ભે ઇન્ફિનીઝોના સંચાલક અભિનિત ક્રિશ્ચને જણાવ્યું કે, આજના વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયા અને વાસ્તવિક કાર્યક્ષેત્રોની માહિતી આપવી ઘણી જરૂરી છે. વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક સમગ્ર ટ્રેનિંગ અને અન્ય કાર્યોમાં ભાગ લીધો હતો. તેમની ઉત્સુકતા જોઇ તેમને મુંબઇની રીડિફાઇ કંપનીની ટુર કરાવવાનું અમે નક્કી કર્યું અને તેમને ટુર કરાવી ડિજીટલ દુનિયાની વિવિધ માહિતી આપી હતી.