ધરમપુરના મરઘમાળમાં વિદ્યાર્થી દિવસ તથા સાકાર વાંચન કુટીરનો ત્રીજો સ્થાપના દિવસ ઉજવાયો: મહામાનવ અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. એ.પી. જે અબ્દુલ કલામને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે રેઈન્બો વોરિયર્સ તથા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વ. દીનેશભાઇ પટેલના સ્મરણાર્થે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહામાનવ ડૉ. એ.પી જે અબ્દુલ કલામની જન્મ જયંતિ તથા વિદ્યાર્થી દિનની ઉજવણી સાકાર વાંચન કુટીર ખાતે કરવામાં આવી હતી. આ ત્રિવેણી કાર્યક્રમનું ઉદઘાટન ધરમપુરની સાઈનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉ. હેમંતભાઈ પટેલ તથા સામાજિક કાર્યકર કીર્તિભાઈ આહીરના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા મહામાનવ ડૉ. એ.પી. જે અબ્દુલ કલામને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થી દિનની ઉજવણી નિમિત્તે મરઘમાળ પ્રાથમિક શાળાના ધોરણ ૫ ના ૫ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવવા બદલ મહેન્દ્રભાઈ ગરાસિયા (શિક્ષક, મોડેલ સ્કૂલ માલનપાડા) દ્વારા પુષ્પગુચ્છ તથા લંચબોક્ષ ગિફ્ટ આપી અનોખી રીતે વિદ્યાર્થી દિનની ઉજવણી કરવામાં આવી હતી.

મુખ્ય મહેમાન પદેથી સાંઈનાથ હોસ્પિટલનાં ડૉ. હેમંતભાઇ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ તથા શારીરિક તંદુરસ્તી વિશે માહિતી પૂરી પાડી હતી. આવધાના શિક્ષક સુભાષભાઈ બારોટ તથા ડૉ. વિરેન્દ્ર ગરાસિયાએ મહામાનવ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ જીવન પ્રસંગોની ઝાંખી કરાવી હતી. કિર્તીભાઇ આહીરે શિષ્યવૃત્તિની પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવવા બદલ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. જયંતિભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભઆશિષ આપતાં જણાવ્યું કે “ભણો, ગણો, આગળ વધો તથા વ્યસન મુક્ત બનો.” ડૉ. હેમંત પટેલે સૌ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવ્યું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત મરઘમાળના સભ્યો , માજી સરપંચ તનુલતાબેન રાજેશભાઈ, મરઘમાળ દુધ ડેરીનાં પ્રમુખ તંકેશ્વરીબેન Rainbow warrior’s dharampur ગ્રુપ ના સભ્ય હિનલ પટેલ, ઉમેશ પટેલ, અંકિત પટેલ, તેજસ પટેલ, પિયુષ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનુ આયોજન તથા સંચાલન રેઈન્બો વોરિયર્સ ધરમપુરનાં કો ઓર્ડીનેટર શંકરભાઇ પટેલ તેમજ સરપંચ રજનીકાંત પટેલે કર્યુ હતું. આ પ્રંસગે મરઘમાળ ગામનાં યુવાનો, બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!